મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (11:05 IST)

જોશીમઠમાં તૂટી રહ્યા છે મકાનો - જોશીમઠ જમીનમાં ગરકાવ થઈ જવાનો ખતરો

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર જમીનમાં સમાઈ જવાનો ખતરો વીતી રહેલા દરેક કલાકની સાથે વધી રહ્યો છે. આ સમગ્ર ક્ષેત્રને ‘સિંકિંગ ઝોન’ એટલે કે ગરકાવ થઈ રહેલું ક્ષેત્ર કહેવાઈ રહ્યું છે.
 
છેલ્લાં 48 કલાકમાં જમીન ધસી પડવાથી તૂટી રહેલાં મકાનોની સંખ્યા 561થી વધીને 603 થઈ ગઈ છે.
 
ઝડપથી બદલી રહેલી પરિસ્થિતિને કારણે સંકટગ્રસ્ત વિસ્તારોમાં રહેનારા હજારો પરિવારને પુનર્વસન કેન્દ્રોમાં લાવવામાં આવી રહ્યા છે.
 
ચમોલીના જિલ્લા અધ્યક્ષ હિમાંશુ ખુરાનાએ લોકોના ઘરે જઈ-જઈને રિલીફ કૅમ્પ (રાહત છાવણી)માં જવાની વિનંતી કરી છે.
 
ચમોલીના જિલ્લા વહીવટી તંત્રએ જોશીમઠ સ્થિત પોતાની સરકારી ઇમારતમાં તિરાડો પડ્યા બાદ તેને ખાલી કરવાની શરૂઆત કરી દિધી છે.
 
આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષજ્ઞો સાથે કરેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય એજન્સીઓ સક્રિય થતી જોવા મળી રહી છે.
 
અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે, કેન્દ્ર સરકારે જોશીમઠમાં એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની ચાર ટીમોને મોકલી આપી છે.
 
ઉત્તરાખંડના જોશીમઠમાં મકાનો, જમીનમાં તિરાડો પડવાના કારણે સ્થાનિકો પર સંકટ
છેલ્લાં 48 કલાકમાં જમીન ધસી પડવાથી તૂટી રહેલાં મકાનોની સંખ્યા 561થી વધીને 603 થઈ ગઈ છે.
સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને ‘રિલીફ કૅમ્પ’માં ખસેડાયા
સ્થાનિકોનો આરોપ છે કે ‘થર્મલ પ્રોજેક્ટ’ના કારણે સર્જાયું સંકટ
તંત્ર પર લગાવ્યા પગલાં લેવામાં વિલંબના આરોપ
 
જોશીમઠમાં જમીન અને મકાનમાં તિરાડો પડવાના કારણે પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને ‘રિલીફ કૅમ્પ’ જ હાલ તેમનું નવું ઠેકાણું છે.
 
પ્રશાસન અનુસાર અત્યાર સુધી કૂલ 561 મકાનોમાં તિરાડો જોવા મળી છે.
 
પ્રભાવિત લોકો ગભરાયેલા છે. જોશીમઠ હિંદુઓ અને શીખોનાં પ્રમુખ તીર્થસ્થાનોનું પ્રવેશદ્વાર છે. તે હિમાલયના ઊંચા વિસ્તારોમાં ટ્રૅકિંગ કરનાર ટુરિસ્ટોની મનપસંદ જગ્યા છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનના કારણે પેદા થયેલ પરિસ્થિતિ માટે રવિવારે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વડા પ્રધાને જોશીમઠના અસરગ્રસ્ત પરિવારોની સુરક્ષા અને પુનર્વસનની તૈયારીઓ વિશે જાણકારી લીધી.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રાએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી.
 
આ બેઠકમાં ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી એસ. એસ. સંધૂ અને ડીજીપી અશોક કુમારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. બેઠક બાદ ઉત્તરાખંડના ડીજીપી અને સેક્રેટરી આર. કે. મીનાક્ષી સુંદરમે લૅન્ડસ્લાઇડ વિસ્તારનું નિરીક્ષણ કર્યું.
 
ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (આઈએનએસએ)ના રિટાયર્ડ વૈજ્ઞાનિક ડી. એમ. બેનર્જીએ કહ્યું છે કે ફોર લૅન હાઇવેના નિર્માણે સમગ્ર સિસ્ટમ કમજોરી કરી દીધી છે અને તે નહોતો બનાવવો જોઈતો.
 
આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓએ જોશીમઠના અમુક ભાગોને રહેવા માટે ‘અસુરક્ષિત’ જાહેર કરી દીધા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલાઈ રહ્યા છે.
 
ઘરો અને રસ્તામાં તિરાડો વધુ પહોળી થવાની શરૂઆત થતાં જ જોશીમઠના નિવાસીઓ બીકના કારણે ઘર છોડવા લાગ્યા હતા. મોટા ભાગના લોકો પોતાનાં ઘર મૂકીને સ્થાનિક પ્રશાસન દ્વારા બનાવાયેલ વિશ્રામગૃહોમાં રહેવા જતા રહ્યા છે.
 
મુખ્ય મંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે, “વડા પ્રધાને સ્થાનિક નિવાસીઓની ચિંતાઓના સમાધાન અને હાલની તેમજ ભવિષ્યની તૈયારીઓ વિશે વાતચીત કરી.”
 
સીએમઓએ કહ્યું છે, “વિસ્તારમાં નિવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરાઈ રહેલ કાર્યો અને જોશીમઠની પરિસ્થિતિ પર વડા પ્રધાન વ્યક્તિગતપણે નિગરાની રાખી રહ્યા છે.”
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રીને કેન્દ્ર તરફથી ‘તમામ સંભવ મદદ’ કરવાનો આશ્વાસન પણ આપ્યો છે.
 
561 મકાનોમાં તિરાડો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠમાં પાછલા ઘણા દિવસોથી જમીનમાં તિરાડો પડી રહી છે અને તે પહોળી થતી જઈ રહી છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મુખ્ય મંત્રી ધામીએ સરકારી સ્તરે એડિશનલ ચીફ સેક્રેટરીના નેતૃત્વમાં એક ‘તાલમેલ કમિટી’નું ગઠન કર્યું છે.
 
સ્થાનિક સ્તરે ગઢવાલ કમિશનરના નેતૃત્વમાં એક કમિટી બનાવી છે જે સ્થાનિકોની સુરક્ષા, રાહત અને બચાવના કામની નિગરાની કરશે.
 
અત્યાર સુધી જે 66 મકાનોમાં મોટી તિરાડો પડી છે, તેમાં રહેનારાને જોશીમઠમાંથી હઠાવીને રિલીફ કૅમ્પમાં મોકલાયા છે.
 
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, જોશીમઠમાં અત્યાર સુધી 561 મકાનોમાં તિરાડો પડી ચૂકી છે.
 
વૈજ્ઞાનિકો ડી. એમ. બેનર્જીએ જણાવ્યું કે જોશીમઠ હિમાલયના નીચલા ક્ષેત્રમાં આવે છે અને એ વિસ્તાર સિઝ્મિક ઝોન ચારમાં છે. અહીંના લોકોએ ત્રણ-ચાર માળનાં મકાનો નહોતાં બાંધવાં જોઈતાં.
 
તેમના અનુસાર, જોશીમઠ અત્યંત કમજોર જમીન પર છે. આ આખો કસબો છ-સાત હજાર વર્ષ પહેલાં આવેલ વિશાળ ભૂસ્ખલનને કારણે જમીન પર વસ્યો છે.
 
સ્થાનિકોનો આરોપ છે કે જોશીમઠની આસપાસ ચાલી રહેલ ‘થર્મલ પ્રોજેક્ટના કારણે પહાડ અંદરથી પોલો થઈ ચૂક્યો છે.’
 
જોશીમઠ બચાઓ સંઘર્ષ સમિતિના સંયોજક અતુલ સતીનું કહેવું છે કે, “સરકારે હાલ કન્સ્ટ્રક્શનનું કામ કેમ બંધ કરી દીધું છે જ્યારે અમે જમીનમાં સમાઈ જવાની આરે પહોંચી ગયા છીએ. તેમણે અમારા પર પહેલાં ધ્યાન કેમ ન આપ્યું.”
 
અતુલ સતીનો દાવો છે કે તપોવનમાં વિષ્ણુગઢ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાયેલ સુરંગે જમીનને પોલી બનાવી દીધી છે.
 
સ્થાનિક લોકોને ચિંતામાં એ સમયે વધારો થયો જ્યારે તેમણે જોશીમઠના મારવાડી વૉર્ડ અને વૉર્ડ 2ની જમીનમાંથી કીચડ બહાર નીકળતો જોયો. લોકોને શંકા છે કે કીચડ પહાડ પર બનાવાઈ રહેલ સુરંગ થકી ત્યાં સુધી આવી રહ્યો છે.
 
આ ક્ષેત્રનું અધ્યયન કરનાર ભૂગર્ભશાસ્ત્રી એસપી સતી જણાવે છે કે મારવાડીમાં જે પાણી બહાર નીકળી રહ્યું છે, તેનો સંબંધ તપોવનમાં ધૌલગંગાના પાણી સાથે હોવો જોઈએ. આ એ સ્થાન છે જ્યાં એનટીપીસી તપોવન વિષ્ણુગઢનો સુરંગ પ્રોજેક્ટ શરૂ થાય છે.
 
તપોવન જોશીમઠથી 15 કિલોમીટર દૂર છે અને સુરંગ જોશીમઠથી પાંચ કિલોમીટર સેલંગથી શરૂ થાય છે.
 
સ્થાનિક લોકોએ અનુરોધ પર એસપી સતીએ અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી સાથે જોડાયેલા નવીન જુયાલ અને શુભ્રા શર્મા સાથે મળીને આ ક્ષેત્રમાં જે જમીન પર તિરાડો પડી રહી છે તેનું અધ્યયન કર્યું છે.
 
આ વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં લખ્યુ છે કે જોશીમઠની આસપાસના ઢોળાવો ઘણા અસ્થિર થઈ ચૂક્યા છે.
સતી જણાવે છે કે વર્ષ 2013માં એવી ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલ સુરંગો ઉત્તરાખંડમાં તબાહી મચાવી શકે છે. એ વર્ષે આ પ્રોજેક્ટ રોકી દેવાયા હતા.
 
જોશીમઠ નગરપાલિકાએ પાછલા ડિસેમ્બર માસમાં કરાવેલ સર્વે પરથી જાણ્યું કે આ પ્રકારની આપત્તિથી 2,882 લોકો અસરગ્રસ્ત થઈ શકે છે. નગરપાલિકા અધ્યક્ષ શૈલેન્દ્ર પંવારે જણાવ્યું કે અત્યાર સુધી 550 મકાનો અસુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જે પૈકી 150 મકાન એવાં છે, જે ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે.
 
આટલું જ નહીં 7 ફેબ્રુઆરી 2021ના રોજ ચમોલીમાં આવેલ આપત્તિ બાદ સમગ્ર નીતિ ખીણમાં જમીનોમાં તિરાડો પડવાના સમાચાર આવી રહ્યા છે. વર્ષ 2021માં જૂનથી ઑક્ટોબર માસમાં વરસાદ બાદ ચિપકો આંદોલનનાં નાયિકા રહેલાં ગૌરાદેવીના રૈણીં ગામમાં પણ જમીનમાં તિરાડો પડવાના સમાચાર આવ્યા હતા.
 
આ પહેલાં વર્ષ 1970માં પણ જોશીમઠમાં જમીન ધસવાની ઘટનાઓ સામે આવી હતી.
 
આ પ્રાકૃતિક આપત્તિનાં કારણોની તપાસ માટે ગઢવાલ કમિશનર મહેશ મિશ્રાની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાઈ હતી. આ સમિતિએ વર્ષ 1978માં આવેલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે જોશીમઠ, નીતિ અને માના ખીણમાં મોટા પ્રોજેક્ટો ન ચાલવા જોઈએ કારણ કે આ ક્ષેત્રો મોરેંસ પર ટકેલાં છે