રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 13 માર્ચ 2024 (15:45 IST)

2019થી 2024 સુધી એસબીઆઈ પાસેથી કેટલા ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા?

electoral bonds
ભારતીય સ્ટેટ બૅન્કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ઇલેકટોરલ બૉન્ડની માહિતી ચૂંટણી પંચને આપી દીધી છે.
એસબીઆઈએ કમ્પ્લાયન્સ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.
 
આમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એક એપ્રિલ 2019થી 11 એપ્રિલ 2019 વચ્ચે કુલ 3346 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા અને તેમાંથી 1609 બૉન્ડ કૅશ કરાવાયા.
 
ત્યારે 12 એપ્રિલ 2019 અને 14 એપ્રિલ 2024 વચ્ચે 18871 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા પરંતુ આ સમયગાળામાં 20,421 બૉન્ડને કૅશ કરાવાયા હતા.
 
એપ્રિલ 2019એ આ વર્ષે 15 ફેબ્રુઆરી વચ્ચે કુલ 22217 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા અને 22030 બૉન્ડ્સને રાજનીતિક દળોએ કૅશ કરાવ્યા.
 
ઇલેક્ટોરલ બૉન્ડની વિસ્તૃત માહિતી 15 માર્ચ સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણી પંચની વેબસાઇટ પર મૂકવામાં આવશે.
 
12 માર્ચે કેન્દ્રીય ચૂંટણીપંચે સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ (એસબીઆઈ) તેને ડેટા સોંપી દીધો છે.
 
ચૂંટણીપંચના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, "માનનીય સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આપેલા નિર્દેશના અનુપાલન અંતર્ગત આજે 12 માર્ચ, 2024એ ભારતના ચૂંટણીપંચને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત ડેટા આપી દીધો છે."
 
સુપ્રીમ કોર્ટે સોમવારે 11 માર્ચે ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત જાણકારી આપવા માટે ભારતીય સ્ટેટ બૅન્કને વધારે સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

 
આ પહેલાં સોમવારે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત માહિતી જાહેર કરવાની સમયમર્યાદા વધારવા માટેની એસબીઆઈની અરજી ફગાવી દીધી હતી.
 
આ આદેશ આપનાર સુપ્રીમ કોર્ટની બેન્ચનું અધ્યક્ષપદ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ સંભાળી રહ્યા હતા. તેમની સાથે આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.
 
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ પહેલાં એસબીઆઈને નામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ એસબીઆઈએ વધુ સમય માગ્યો હતો. બૅન્કે તેની હાલની અરજીમાં કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો.
 
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું પણ કહ્યું હતું કે જો એસબીઆઈ આપેલા સમયગાળામાં માહિતી જાહેર નહીં કરે તો તેના પર કોર્ટની અવમાનનાનો કેસ થશે.
 
સુપ્રીમ કોર્ટે શું-શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, "અમે એસબીઆઈને નામોની યાદી અને રાજકીય પક્ષોનાં નામની યાદીની મેળવણી કરવાનું કહ્યું નથી. માત્ર અમે સાદી નામોની યાદી જાહેર કરવા કહ્યું હતું."
 
આ અંગે એસબીઆઈએ કહ્યું હતું કે જો ઇલેક્ટોરલ બૉન્ડના ખરીદદારો સાથે પાર્ટીનું નામ જોડવાની જરૂર ન હોય તો તે આવનારાં ત્રણ અઠવાડિયાંમાં નામ જાહેર કરી શકે છે.
 
પરંતુ જસ્ટિસ ગવઈએ આ વાત પર કડકાઈથી પૂછ્યું હતું કે તમારે ત્રણ અઠવાડિયાંની મુદ્દત શેના માટે જોઈએ છે?
 
તેમણે કહ્યું કે, "રાજકીય પક્ષોએ એનકેશમેન્ટ અંગે પહેલેથી જ માહિતી આપી દીધી છે. ખરીદદારો વિશેની માહિતી પણ પહેલેથી જ ઉપલબ્ધ છે."
 
આવા સંજોગોમાં તમને કોઈ વધુ સમયની જરૂર નથી. એટલા માટે જ નામની યાદી 12મી માર્ચે કામકાજના કલાકો પૂરા થાય એ પહેલાં જ જાહેર કરી દેવામાં આવે.
 
લાઇવ લૉ વેબસાઇટ અનુસાર એસબીઆઈ તરફથી દલીલ કરી રહેલા સિનિયર વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં કહ્યું હતું કે, "અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ માહિતી ગુપ્ત રાખવાની છે. એટલે અમે એ પ્રમાણે અમારું મિકેનિઝમ બનાવ્યું હતું. અમારી કોઈ ભૂલને કારણે વાત બગડે એવું અમે ઇચ્છતા નથી."
 
પણ તેનો જવાબ આપતાં જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, "આમાં ભૂલનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તમારી પાસે કેવાઈસી જાણકારી છે અને તમે દેશની નંબર વન બૅન્ક છો. અમે આશા રાખીએ છીએ કે તમે સારી રીતે તેને હૅન્ડલ કરશો."
 
ગેરબંધારણીય ઠેરાવવામાં આવ્યાં છે ઇલેક્ટોરલ બૉન્ડ
સુપ્રીમ કોર્ટે આ પહેલાં ચૂંટણી બૉન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવી હતી અને એ સમયે એક વિસ્તૃત આદેશ આપ્યો હતો.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "ચૂંટણી બૉન્ડની જાણકારી ગુપ્ત રાખવી માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે."
 
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે, "સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી ખરીદાયેલાં બૉન્ડની માહિતી ચૂંટણીપંચને ઉપલબ્ધ કરાવે."
 
નવેમ્બર 2023 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની એક બંધારણીય બૅન્ચ ઇલેક્ટોરલ બૉન્ડ કે ચૂંટણી બૉન્ડ યોજનાની કાયદાકીય યોગ્યતા સાથે સંબંધિત અરજી પર સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
 
આ મામલો સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષથી વધુ સમયથી ચાલતો હતો અને તેના પર સૌની નજરો મંડાયેલી હતી. કારણ એ છે કે આ ચુકાદાની મોટી અસર આગામી 2024ની લોકસભા ચૂંટણી પર પડી શકે છે.
 
આ મામલા પર સુનાવણી શરૂ થાય તેના એક દિવસ અગાઉ જ 30 ઑક્ટોબરે ભારતના ઍટર્ની જનરલ આર. વેંકટરમણીએ આ યોજનાનું સમર્થન કરતા સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ યોજના રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા દાનમાં ‘સ્વચ્છ ધન’ ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.
 
આ સાથે જ ઍટર્ની જનરલે સુપ્રીમ કોર્ટ સામે એવો તર્ક પણ રજૂ કર્યો હતો કે યોગ્ય પ્રતિબંધોને આધીન થયા વિના નાગરિકોને બધી ચીજો જાણવાનો અધિકાર નથી.
 
આ વાતનો સંદર્ભ એ તર્ક સાથે જોડાયેલો છે કે જેના હેઠળ એવી માગણી કરવામાં આવી રહી છે કે રાજકીય પાર્ટીઓએ એ જાણકારી સાર્વજનિક કરવી જોઈએ કે તેમને કેટલા પૈસા કોની પાસેથી મળ્યા છે.
 
શું છે આ ઇલેક્ટોરલ બૉન્ડ જેની આટલી ચર્ચાઓ થઈ રહી છે, આવો સમજીએ.
 
ગુમનામ વચનપત્ર એટલે શું
ઇલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને દાન આપવાનો એક રસ્તો છે. આ એક વચનપત્ર જેવું રહેતું, જેને કોઈ પણ ભારતીય નાગરિક કે કંપની ભારતીય સ્ટેટ બૅન્કની અમુક શાખાઓ પાસેથી ખરીદી શકાતું હતું અને તેના હેઠળ લોકો પોતાની પસંદની રાજકીય પાર્ટીઓને ગુપચુપ રીતે દાન કરી શકતા હતા.
 
ભારત સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની જાહેરાત 2017માં કરી હતી. આ યોજનાને સરકારે 29 જાન્યુઆરી, 2018થી લાગુ કરી દીધી હતી.
 
આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્ક રાજકીય પક્ષોને ધન આપવા માટે બૉન્ડ જાહેર કરી શકતી હતી.
 
જે વ્યક્તિ પાસે એવું બૅન્ક ખાતું હોય કે જેમાં કેવાયસી જાણકારી વેરિફાય થયેલી હોય તે આ બૉન્ડ ખરીદી શકતી હતી. ઇલેક્ટોરલ બૉન્ડમાં પૈસા આપનારનું નામ હોતું નથી.
 
આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્કની અમુક શાખાઓ પાસેથી એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડમાંથી કોઈ પણ મૂલ્યનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદી શકાતું હતું.
 
ચૂંટણી બૉન્ડને વાપરવાનો સમયગાળો માત્ર 15 દિવસનો રહેતો. એ દરમિયાન તેનો ઉપયોગ માત્ર જન પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત રજિસ્ટર થયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે કરી શકાતો હતો.
 
છેલ્લી લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં જે રાજકીય પક્ષોને એક ટકાથી વધુ મત મળ્યા હોય તેને જ ઇલેક્ટોરલ બૉન્ડથી દાન આપી શકાતું હતું.
 
આ યોજના હેઠળ ચૂંટણી બૉન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઑક્ટોબર મહિનાઓમાં દસ દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતાં હતાં.
 
તેમને લોકસભા ચૂંટણીના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત 30 દિવસના વધારાના સમયગાળા માટે પણ જાહેર કરી શકાતાં હતાં.
 
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત પછી પણ ભાજપ હવે ગામગામે કેમ ફરી રહ્યો છે?
 
આ યોજના પર સવાલો કેમ ઊઠ્યા?
ભારત સરકારે આ યોજનાની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ દેશમાં રાજકીય ફંડિંગની વ્યવસ્થાને સ્વચ્છ કરી દેશે.
 
પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એ સવાલ વારંવાર ઊઠ્યો હતો કે ઇલેક્ટોરલ બૉન્ડના માધ્યમથી દાન આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે, જેના કારણે કાળા ધનમાં વધારો થઈ શકે છે.
 
એક ટીકા એવી પણ થઈ રહી હતી કે આ યોજના મોટા કૉર્પોરેટ ઉદ્યોગો તેમની ઓળખ છુપાવીને દાન કરી શકે તેના માટે લાવવામાં આવી હતી.
 
આ યોજનાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પહેલી અરજી વર્ષ 2017માં ‘ઍસોસિયેશન ફૉર ડેમૉક્રટિક રિફૉર્મ્સ’ અને નૉન-પ્રૉફિટેબલ ઑર્ગેનાઇઝેશન ‘કૉમન કૉઝ’ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી અરજી ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(માર્ક્સવાદી) એ દાખલ કરી હતી.
 
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં એવું કહેવામાં આવ્યું છે કે આ યોજનાને કારણે ભારતીય અને વિદેશી કંપનીઓ દ્વારા અસીમિત રાજકીય દાન અને રાજકીય પક્ષોને ગુમનામ રીતે ફંડિંગ માટે દરવાજા ખૂલી જાય છે. જેના કારણે મોટા પાયે ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચારને કાનૂની સ્વરૂપ મળી જાય છે.
 
આ અરજીઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઇલેક્ટોરલ બૉન્ડ યોજનામાં રાખવામાં આવેલું ગુમનામીપણું ભારતીય નાગરિકોને મળેલા ‘માહિતીના અધિકાર’નું પણ ઉલ્લંઘન કરે છે. આ અધિકારને સુપ્રીમ કોર્ટે પણ તેના ભૂતકાળના ચુકાદાઓમાં બંધારણની કલમ 19 (1) (એ) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ ગણાવ્યો છે.
 
 
સુપ્રીમ કોર્ટ સામે રજૂ કરવામાં આવેલી એક ચિંતા એવી પણ હતી કે એફસીઆરએમાં સંશોધન કરવામાં આવ્યું છે, કારણ કે ભારતમાં સહાયક કંપનીઓના સહારે વિદેશી કંપનીઓ માટે પણ ભારતના રાજકીય પક્ષોને દાન આપવા માટે અનુકૂળતા ઊભી કરી શકાય.
 
આ પ્રકારની યોજનાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે લોબિઇંગ કરતા અને પોતાનો ઍજન્ડા ચલાવતા લોકોને ભારતના રાજકારણમાં અને લોકશાહીમાં દખલગીરી કરવાનો મોકો મળી જાય છે.
 
અરજદારોએ કંપની અધિનિયમ, 2013માં કરવામાં આવેલાં એ સંશોધનો પર પણ સવાલ ઉઠાવ્યા હતો કે જે કંપનીઓને તેમના વાર્ષિક લાભ અને હાનિ ખાતામાં રાજકીય વિવરણ ન આપવાની છૂટ આપે છે. અરજદારોનું કહેવું હતું કે તેના કારણે રાજકીય ફંડિંગમાં અપારદર્શકતા વધશે. આ સિવાય તેના કારણે રાજકીય પક્ષો પણ આવી કંપનીઓને ફાયદો પહોંચાડે એવી ઘટનાઓનું પ્રમાણ વધી શકે છે.
 
ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાને બજેટમાં એટલા માટે મૂકી દેવામાં આવી હતી, કારણ કે બજેટ એક મની બિલ હોય છે અને રાજ્યસભા તેમાં કોઈ ફેરબદલ કરી શકતી નથી.
 
એ વાત પણ વારંવાર ઉઠાવવામાં આવી છે કે રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હતી એટલા માટે આ વિષયને મની બિલમાં ઉમેરી દેવામાં આવ્યો, જેના કારણે તેને આસાનીથી પસાર કરાવી શકાય.
 
મફતની રેવડી : ભારતમાં 'મફત રેવડી'ના રાજકારણનો ફાયદો કોને, પાર્ટીઓને કે લોકોને?
કોને કેટલો ફાયદો?
ચૂંટણી અને તેને લગતી બાબતો પર નજર રાખતી સંસ્થા ઍસોસિયેશન ફૉર ડેમૉક્રટિક રિફૉર્મ્સના રિપોર્ટ અનુસાર, 2016-17 અને 2021-22 વચ્ચે કુલ પાંચ વર્ષોમાં કુલ સાત રાષ્ટ્રીય પક્ષો અને 24 પ્રાદેશિક પક્ષોને આ બૉન્ડથી 9,188 કરોડ રૂપિયા મળ્યા.
 
આ 9,188 કરોડ રૂપિયામાંથી ભાજપને લગભગ 5,272 કરોડ રૂપિયા મળ્યા છે. એટલે કે ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા મળેલી કુલ રકમનો 58 ટકાથી વધુ ભાગ એકલા ભાજપને ફાળે ગયો છે.
 
આ જ સમયગાળામાં કૉંગ્રેસને ઇલેક્ટોરલ બૉન્ડથી અંદાજે 952 કરોડ રૂપિયા મળ્યા જ્યારે તૃણમૂલ કૉંગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા.
 
એડીઆરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2017-18 અને 2021-22 દરમિયાન ચૂંટણી બૉન્ડ દ્વારા રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 743 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કૉર્પોરેટ દાનમાં માત્ર 48 ટકાનો વધારો થયો છે.
 
કોર્ટે કહ્યું હતું કે એસબીઆઈ 12 માર્ચ સુધી ઇલેક્ટોરલ બૉન્ડની ખરીદી સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવે.