IMDનું મેગા રેન અલર્ટ: 6થી 11 ઓગસ્ટ સુધી દેશભરમાં ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વીજળી પડવાની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ 6થી 11 ઓગસ્ટ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં આગામી કેટલાક દિવસો સુધી ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે.
ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારો સુધી આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5થી 11 ઓગસ્ટ દરમિયાન અનેક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની પ્રબળ શક્યતા છે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારમાં 6થી 11 ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે.
તે ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પૂર્વોત્તરના સાત રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.
પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળીનું અલર્ટ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 5થી 11 ઓગસ્ટ દરમિયાન અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 5 ઓગસ્ટ તેમજ 8થી 11 ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
IMDએ ખાસ કરીને 5-6 ઓગસ્ટ અને 9-10 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ સહિત અનેક પહાડી વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસ કરનારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં વરસાદનું જોર
દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં 5 અને 6 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે.
પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 6 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 6 અને 7 ઓગસ્ટે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ રાજસ્થાનમાં 7થી 9 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર રહેશે. જ્યારે પૂર્વ રાજસ્થાનમાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
મધ્ય પ્રદેશમાં આગામી દિવસોમાં સતત વરસાદ
મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી રુકરુકીને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 6, 8 અને 10-11 ઓગસ્ટે અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 7થી 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશમાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત 6 અને 7 ઓગસ્ટે રાજ્યના કેટલાક પૂર્વીય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી શકે છે.
