ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (20:51 IST)

ભારતને એનું 40મું વિશ્વ ધરોહર સ્થળ મળ્યું, ધોળાવીરા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં અંકિત

ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં વર્લ્ડ હેરિટેજ સેન્ટરને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ‘ આ સમાચારથી સંપૂર્ણપણે આનંદ થયો. ધોળાવીરા મહત્વનું શહેરી કેન્દ્ર હતું અને આપણા ભૂતકાળ સાથે સૌથી અગત્યની કડીઓમાંનું એક છે. એની મુલાકાત, ખાસ કરીને ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિદ્યામાં જેમને રસ હોય તેમણે લેવી જ રહી.’
 
સંસ્કૃતિ, પર્યટન અને ઉત્તર પૂર્વી પ્રદેશના વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ જાહેરાતના તુરંત બાદ આ સમાચાર ટ્વીટર પર શૅર કર્યા હતા. હજી થોડા દિવસો પૂર્વે જ તેલંગાણા રાજ્યમાં મુલુગુ જિલ્લાના પાલાપેટ ખાતે આવેલ રુદ્રેશ્વરા મંદિર (રામપ્પા મંદિર તરીકે પણ જાણીતું) ભારતમાં 39મું વર્લ્ડ હેરિટેજ સેન્ટર બન્યું હતું.
 
જી કિશન રેડ્ડીએ ટ્વીટ કર્યું, ‘મારા સાથી ભારતીયો સાથે આ શૅર કરતા અપાર ગર્વ થાય છે કે ધોળાવીરા હવે ભારતમાં 40મી અમૂલ્ય વસ્તુ છે જેને @UNESCO વર્લ્ડ હેરિટેજ ટેગ અપાઇ રહી છે. આપણે હવે વિશ્વ ધરોહર સ્થળોના શિલાલેખ માટે સુપર-40 ક્લબમાં પ્રવેશ્યા છીએ ત્યારે ભારતની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.’

 
આ સફળ નોમિનેશન સાથે, ભારત પાસે હવે એકંદરે 40 વિશ્વ ધરોહર અસ્ક્યામતો છે જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને એક મિશ્ર સંપત્તિ છે. સંસ્કૃતિ માટેના કેન્દ્રીય મંત્રી એ દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમની પાસે 40 કે એનાથી વધારે વિશ્વ ધરોહરના સ્થળો હોય અને ભારત સિવાય એમાં હવે ઇટાલી, સ્પેન, જર્મની, ચીન અને ફ્રાન્સ છે. મંત્રીએ એ પણ એમના ટ્વીટમાં અવલોકન કર્યું હતું કે ભારતે 2014થી કેવી રીતે 10 નવાં વિશ્વ ધરોહરનાં સ્થળો ઉમેર્યાં હતાં અને ભારતીય સંસ્કૃતિ, વારસા અને ભારતીય જીવનશૈલીને ઉત્તેજન આપવા  પ્રધાનમંત્રીની અટલ પ્રતિબદ્ધતાની એ સાબિતી છે.
 
જી કિશન રેડ્ડીએ ટ્વીટ કર્યું, ‘આજે ભારત માટે ખાસ કરીને ગુજરાતના લોકો માટે ગર્વનો દિવસ છે. ભારતે 10 નવાં વિશ્વ ધરોહરનાં સ્થળો ઉમેર્યાં છે-આપણાં કુલ સ્થળોમાંના ચોથા ભાગના. આ ભારતીય સંસ્કૃતિ, વારસા અને ભારતીય જીવનશૈલીને ઉત્તેજન આપવા પ્રધાનમંત્રી (@narendramodi's) નરેન્દ્ર મોદીની અટલ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.’