રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (09:43 IST)

મહારાષ્ટ્રમાં અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ ફરી એકવાર માથું ઊંચકતા રાજ્ય સરકારે આકરા નિયંત્રણો લાદવાનો પ્રારંભ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતાં અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન અમલમાં રહેશે. અમરાવતીના જિલ્લા કલેક્ટર શૈલેષ નવલે જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ યવતમાલના જિલ્લા તંત્રે આકરા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી રાકેશ ટિકૈતની ખેડૂત મહાપંચાયતને પરવાનગી અપાશે નહીં. બંને જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓને બાદ કરતાં બધું બંધ રહેશે. યવતમાલ, અમરાવતી અને અકોલામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. યવતમાલ, પંઢરકવડા અને પુસદમાં દરરોજ કોરોના સંક્રમણના ૫૦૦થી વધુ કેસ આવી રહ્યાં છે. અકોલામાં કોરોનાના કેસ વધતાં વિવિધ નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. હવે લગ્ન સમારોહમાં ૫૦થી વધુ વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. લગ્ન સમારોહ રાતના ૧૦ વાગ્યે આટોપી લેવાના આદેશ અપાયા છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. અકોલા જિલ્લામાં ધોરણ પાંચથી ૯ની શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાઈ છે. અકોલા શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં એક સાથે પાંચ લોકોના પ્રવાસ પર પ્રતિબંધ લદાયો છે. જિલ્લામાં કોઈપણ પ્રકારના સમારોહમાં ફક્ત ૫૦ લોકો હાજર રહી શક્શે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશને કેરળથી શહેરમાં આવતા તમામ લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે.  એકલા મુંબઇ શહેરમાં સંક્રમણના નવા ૭૨૧ કેસ નોંધાયા હતાં. કેરળમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૮૯૨ નવા કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીનાં મોત થયાં હતાં.