1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (12:29 IST)

નરોડા ગામ કેસમાં અમિત શાહે કોર્ટમાં હાજર રહી જુબાની આપી

ગુજરાતમાં ચર્ચિત નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવ પક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોર્ટમાં હાજર થયાં હતા. અમિત શાહે સ્પેશિયલ કોર્ટના જજ સમક્ષ ગીતાના સોગંદ લઈને જુબાની આપી હતી. શાહે જણાવ્યું હતું કે, 'હું વિધાનસભાથી સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો. એ સમયે માયાબેન વિધાનસભામાં હાજર હતાં. ત્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલતી હતી. હોસ્પિટલથી બહાર નીકળતો હતો ત્યારે માયાબેન હોસ્પિટલ આવ્યાં હતાં.

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, 28 ફેબ્રુઆરી 2002 ના રોજ નરોડા ગામમાં તોફાનો થયા ત્યારે તેઓ વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી ત્યાં હાજર હતાં. અમિત શાહ હાજર રહેવાના હોવાથી કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માયાબેને અરજી કરી હતી કે, 'એ વખતે અમિત શાહ પણ વિધાનસભામાં હાજર હતાં. અને અમે બન્ને જણા પોતપોતાની ગાડીમાં સોલા સિવિલ ખાતે કારસેવકોની બોડી લાવવામાં આવી હોવાથી ત્યાં ગયાં હતાં. નરોડા ગામમાં જે બનાવ બન્યો ત્યારે હું ઘટના સ્થળે હાજર નહોતી. આથી મારી હાજરી વિધાનસભા અને સોલા સિવિલમાં હોવા અંગે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની માટે બોલાવવા જરૂરી છે. કોર્ટે માયાબેનની અરજી ગ્રાહ્ય રાખી અમિત શાહને કયા સરનામે સમન્સ કાઢવું તે અંગેની માહિતી માંગી હતી. માયાબેનના એડ્વોકેટ અમિત પટેલે થલતેજમાં આવેલા સરનામે અમિત શાહને સમન્સ કાઢવાની રજૂઆત કરી હતી.