રમતા-રમતા 8માં માળની બાલકનીમાંથી નીચે પટકાયો 5 વર્ષનો માસુમ
શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના નોઈડાની એક સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે એક પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નોઇઝાની એક સોસાયટીમાં બિલ્ડિંગના 8મા માળેથી એક બાળક પડી ગયું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બાળકના માતા-પિતા ઘરે હાજર હતા પરંતુ તે સમયે તેઓ સૂઈ રહ્યા હતા. બાળકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું અને આ ઘટના બાદ પરિવારના સમગ્ર સભ્યોની સ્થિતિ બેહાલ છે.
હકીકતમાં, શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે યુપીના નોઇડા સેક્ટર-78, હાઇડ પાર્ક સોસાયટીના આઠમા માળે બનેલા ફ્લેટની બાલ્કનીમાંથી એક પાંચ વર્ષનો બાળક પડી ગયો હતો. બાળક ગંભીર રીતે ઘાયલ થતાં પરિવારજનો માસૂમ અક્ષત ચૌહાણને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના ફ્લેટ નંબર 801ની બાલ્કનીમાંથી બની હતી, જેમાં પ્રભાત ચૌહાણ, પુત્ર અક્ષત, પુત્રી અને પત્ની સાથે રહે છે.
બાળકનું થયુ મોત ત્યારે સૂઈ રહ્યા હતા મા-બાપ
મળતી માહિતી મુજબ ઘટના સમયે બાળકના પિતા, માતા અને બહેન સૂતા હતા. બાળક પડી ગયા બાદ પણ પરિવારને ખબર ન પડી, ઘટનાના લગભગ 10 મિનિટ બાદ સિક્યુરિટી ગાર્ડને સંપૂર્ણ માહિતી મળી. બાળકનું ઘર શોધવામાં 20 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
બાળક બાલ્કનીમાં કેવી રીતે પહોંચ્યું
હાઇડ પાર્ક સોસાયટીમાં ક્યૂ ટાવરના આઠમા માળે પરિવાર રહે છે. સવારે સાડા પાંચ વાગ્યે અક્ષત અચાનક બાલ્કનીમાં ગયો હતો. તે ત્યાં રેલિંગ પરથી નીચે પડી ગયો. જોકે, બાળક બાલ્કનીમાં કેવી રીતે પહોંચ્યું તે જાણી શકાયું નથી. જમીન પર પડવાનો અવાજ સાંભળીને ગ્રાઉન્ડ ફ્લોરના લોકો બહાર આવ્યા અને ત્યારબાદ સોસાયટીના અન્ય સભ્યો અને સિક્યુરિટી ત્યાં પહોંચી ગયા, ત્યારબાદ તેના પરિવારજનોને ખબર પડી.