શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 20 માર્ચ 2020 (07:10 IST)

પીએમ મોદીએ ૨૨મી માર્ચ રવિવારના રોજ 'જનતા કરફ્યુ' રાખવાની સમગ્ર દેશવાસીઓને કરી અપીલ

સમગ્ર વિશ્વ હાલના તબક્કે સંકટના એક ગંભીર તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. સામાન્ય રીતે જયારે કોઇ પ્રાકૃતિક સંકટ હોય ત્યારે તે કેટલાક દેશો કે રાજ્ય પુરતું જ સિમીત રહેતું હોય છે. પરંતુ આ વખતના સંકટે સમગ્ર વિશ્વની સંપૂર્ણ માનવજાતિને મુશ્કેલીમાં મુકી દીધા છે. આ બે મહિનામાં ભારતના ૧૩૦ કરોડ નાગરિકોએ કોરોનાની વૈશ્વિક મહામારીનો ખૂબ જ તાકાતથી મુકાબલો કર્યો છે એટલું જ નહીં, જરૂરી સાવચેતી પણ રાખી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવું લાગી રહ્યું છે કે, આપણે આ સંકટથી બચ્યા છીએ અને બધું ઠીક થઇ રહ્યું છે. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાથી સાવ જ નિશ્ચિત થઇ જવાનો આ વિચાર યોગ્ય નથી. આ માટે પ્રત્યેક ભારતવાસીએ સજાગ અને સતર્ક રહેવું અત્યંત આવશ્યક છે. 
 
સાથીઓ, 
મેં જયારે જયારે તમારી પાસે જે કંઇપણ માગ્યું છે, ત્યારે ત્યારે દેશવાસીઓએ મને કયારેય નિરાશ નથી કર્યો. આ તમારા આશીર્વાદની તાકાત છે કે આપણે અને આપણા પ્રયત્નો હંમેશા સફળ રહ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ પાસે કંઇક માગવા આવ્યો છું. મને આપના આગામી કેટલાક સપ્તાહ જોઇએ છે. આપનો કેટલોક આવનારો સમય હું માંગી રહ્યો છું. અત્યાર સુધી વિજ્ઞાન પાસે કોરોના મહામારીથી બચાવાનો કોઇ નિશ્ચિત ઉપાય નથી, તે અંગેની કોઇ રસી (વેકસીમ) પણ બની શકી નથી. આ પરિસ્થિતિમાં આપણી ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે. કેટલાક દેશોમાં પ્રારંભિક દિવસો બાદ બિમારીનો અચાનક વિસ્ફોટ જોવા મળ્યો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, કોરોનાના ફેલાવા અને તેના રેકોર્ડ ઉપર સતત નજર રાખી રહી છે. આજે જયારે મોટા મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ ત્યારે ભારત પર પણ તેનો પ્રભાવ નહીં પડે એવું માનવું ભુલ ભરેલું છે. આ કારણે, આ વૈશ્વિક મહામારીનો મુકાબલો કરવા માટે બે મુખ્ય બાબતોની આવશ્યકતા છે : (૧) સંકલ્પ, (ર) સંયમ. 
 
આજે ૧૩૦ કરોડ દેશવાસીઓએ પોતાના સંકલ્પ અને દ્રઢ નિશ્ચયથી એક નાગરિક હોવાના નાતે મહામારીને રોકવા માટે પ્રયત્ન કરવાનો આ માટે આપણા કર્તવ્યનું પાલન કરીશું, તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરીશું. આજે આપણે એક સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું.
 
મિત્રો, 
આ રીતે વૈશ્વિક મહામારીમાં એક જ મંત્ર કામ કરશે – ‘આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થ’ આ પરિસ્થિતિમાં જયારે આ બિમારીની કોઇ દવા નથી ત્યારે આપણે ખુદ સ્વસ્થ રહેવું ખૂબ જ આવશ્યક છે. આ બિમારીથી બચવા અને સ્વયંને તંદુરસ્ત રાખવા માટે અનિવાર્ય છે : સંયમ.
 
સંયમના જે કેટલાક માર્ગો છે તે – ભીડથી બચવું, ઘરની બહાર નીકળવાનું પણ ટાળવુ. આજકાલ જેને સોશિયલ ડેસ્ટેનીસ(સામાજિક અંતર) કહેવામાં આવી રહ્યું છે તે બાબત કોરોનાની વૈશ્વિક બિમારીથી બચવા માટે ખૂબ જ આવશ્યક છે. આ માટે હું સૌ દેશવાસીઓને આગ્રહ કરી રહ્યો છું કે, આગામી કેટલાક સપ્તાહ સુધી, ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી તમારા ઘરની બહાર નીકળવાનું ટાળો. જયાં સુધી શકય હોય તમારૂં કામ ભલે તે વ્યવસાય કે ઓફિસને લગતું કામ હોય પોતાના ઘરે રહીને જ કરો. મારો તમને આગ્રહ છે કે, તમારા પરિવારમાં જો સિનીયર સીટીઝન્સ હોય જેમની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ હોય તો તેવો આગામી કેટલાક સપ્તાહ સુધી ઘરની બહાર ન જ નીકળે. 
 
નવી પેઢી કદાચ બહુ પરિચિત નહીં હોય, પરંતુ જુના સમયમાં યુદ્ધની પરિસ્થિત વખતે ગામે ગામ “બ્લેક આઉટ” કરવામાં આવતો. ઘરની કાચની બારીઓ ઉપર પણ કાગળ લગાડી દેવામાં આવતા હતા, લાઇટો બંધ કરી દેવાતી અને લોકો ચોકી પહેરો કરતા. હું આજે તમામ દેશવાસીઓ પાસેથી વધુ એક સહયોગ માગી રહ્યો છું :તે છે ‘જનતા કરફયું’. 
જનતા કરફયું એટલે જનતા માટે, જનતા દ્વારા પોતાના ઉપર લગાવવામાં આવેલો કરફયું. આ રવિવાર એટલે કે, રરમી માર્ચના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધી પ્રત્યેક દેશવાસી જનતા કરફયુંનું પાલન કરે. 
સાથીઓ, 
રરમી માર્ચના રોજ આપણો આ પ્રયત્ન આપણા આત્મ સંયમ, દેશ હિતમાં કર્તવ્યપાલનના સંકલ્પનું એક પ્રતિક બનશે. રરમી માર્ચના જનતા કરફયુની સફળતા, તેનો અનુભવ આપણને આગામી પડકારોથી તૈયાર કરશે. જો શકય હોય તો પ્રત્યેક વ્યક્તિ દરરોજ ઓછામાં ઓછી ૧૦ વ્યક્તિઓને ફોન કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયોની સાથે સાથે જનતા કરફયુ વિશે પણ જાણકારી આપે. 
 
સાથીઓ, આ જનતા કરફયુ એક દ્રષ્ટિથી ભારત માટે એક કસોટીરૂપ છે જે કરોના જેવી વૈશ્વિક મહામારી વિરુદ્ધ ભારત કેટલું તૈયાર છે તેને જોવાનું અને પરખવાનું કામ કરશે. આપણા આ પ્રયાસોની વચ્ચે જનતા કરફયુંના દિવસે એટલે કે, રરમી માર્ચે હું આપની પાસે વધુ એક સહયોગ ઇચ્છું છું. આ દિવસે હું ચાહું છું કે આપણે સૌ એ તમામ લોકો પ્રત્યે આભાર પ્રગટ કરીએ.
 
રવિવારે પાંચ વાગે આપણે સૌ આપણા ઘરના દરવાજાની પાસે ઉભા રહી, બાલ્કનીમાં કે બારી સામે પાંચ મિનિટ ઉભા રહીને એવા લોકોનો આભાર પ્રગટ કરીશું. સમગ્ર દેશના સ્થાનિક પ્રશાસનને પણ હું આગ્રહ કરૂં છું કે, રરમી માર્ચે પાંચ વાગે સાયરનના અવાજથી આ અંગેની સૂચના લોકો સુધી પહોંચાડવામાં આવે. 
 
‘સેવા પરમો ધર્મ’ને સંસ્કાર માનનારા આપણા દેશવાસીઓ માટે આપણે સૌ એમના પ્રત્યે પુરતો શ્રદ્ધાભાવ અને આભાર પ્રગટ કરીશું. સંકટના આ સમયમાં આપણે ધ્યાન રાખવાનું છે કે, આપણી આવશ્યક સેવાઓ અને હોસ્પિટલો ઉપર સતત ભારણ વધતું રહેશે. આ સ્થિતિમાં મારો આપ સૌને આગ્રહ છે કે, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું શકય હોય ત્યાં સુધી ટાળો. 
 
કોરોના મહામારીથી ઉત્પન્ન થયેલા આર્થિક પડકારોને ધ્યાને રાખીને, નાણાં મંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારે ‘કોવિડ-૧૯ ઇકોનોમિક રીસ્પોન્સ ટાસ્ક ફોર્સ’ની રચના કરવાનું નક્કી કર્યું છે. આ ટાસ્ક ફોર્સ એ સુનિશ્ચિત કરશે કે, દેશમાં આર્થિક મુશ્કેલી કેટલી ઓછી કરી શકાય તે દિશામાં પગલાં લેવાય અને તેનો અસરકારકતાથી અમલીકરણ પણ થાય. 
 
સંકટના આ સમયમાં મારા દેશના વેપારી જગત, ઉંચી આવક ધરાવતા વર્ગને મારો આગ્રહ છે કે, તમે, શકય હોય ત્યાં સુધી જે જે લોકોની સેવાઓ લો છો, તેમના આર્થિક હિતોનું પણ ધ્યાન રહે. હું દેશવાસીઓને એ બાબતનું આશ્વાસન આપવા માંગું છું કે, દેશમાં દૂધ, ખાવા-પીવાની ચીજવસ્તુઓ, દવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ઘટ ન રહે તે માટેના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ૧૩૦ કરોડ ભારતીયોએ, દેશના પ્રત્યેક નાગરિકોએ દેશ ઉપર આવેલા સંકટને પોતાનું સંકટ માન્યું છે એટલું જ નહીં, ભારત માટે, સમાજ માટે તેને જે કરવું પડયું છે તે કર્યું છે. મને વિશ્વાસ છે કે, આવનારા સમયમાં પણ આપણે આપણા કર્તવ્યોનું અને ફરજોનું આ રીતે જ પાલન કરતા રહીશું. 
 
હાં, હું માનું છું કે, આવા સમયમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવતી હોય છે, શંકા-કુશંકા અને અફવાઓનું વાતાવરણ પણ ઉભું થતું હોય છે. કેટલાક દિવસો પછી નવરાત્રિનો પર્વ આવી રહ્યું છે. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. ભારતની તમામ શક્તિઓ સાથે આગળ વધશે એવું શુભકામના.