ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑક્ટોબર 2020 (08:47 IST)

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, સૌ પહેલા કેશુભાઇ પટેલના પરિવારને મળશે, પછી જશે કેવડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પીએમ મોદી અનેક પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવશે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પણ આપશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સંચાલિત થનારી સી પ્લેન ફ્લાઇટ્સને લીલી ઝંડી બતાવશે.. આજે સવારે પીએમ મોદી અમદાવાદ પહોંચશે.
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએમ મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને પહેલા ગાંધીનગર પહોંચશે અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું ગુરુવારે લાંબી બીમારીના કારણે નિધન થયું હતું.
 
આ પછી પીએમ મોદી નર્મદા જિલ્લાના કેવડિયા જવા રવાના થશે. ગુજરાતમાં માર્ચના અંતમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની શરૂઆત પછી મોદીની તેમના ગૃહ રાજ્યની આ પહેલી મુલાકાત હશે. મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે. કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.
 
31મીએ સવારે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલજયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ જ દિવસે આરોગ્ય વનની મુલાકાત લીધા બાદ એકતા પરેડમાં હાજરી આપશે. તેઓ દેશના સૌપ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. કેવડિયાના વોટર ડ્રોમનું ઉદઘાટન કરી સી-પ્લેનમાં બેસીને અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચશે અને અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.