રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (08:23 IST)

JNUમાં હંગામો, PM મોદી પર વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો, વીજળી પણ ગુલ

JNU UNI
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બીબીસીની ડૉક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગ દરમિયાન ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓ પર પથ્થરમારો થયો છે. પથ્થરમારા બાદ ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓએ જેએનયુ ગેટ પર પ્રદર્શન કર્યું. પથ્થરમારો કરનારા વિદ્યાર્થીઓ કોણ હતા, એ વિશે વધુ જાણકારી મળી નથી, પરંતુ ઘટનામાં કોઈ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત નથી થયો.
 
આ ડૉક્યુમેન્ટરી નર્મદા હૉસ્ટલની પાસે જેએનયુ વિદ્યાર્થી સંઘની ઑફિસમાં રાત્રે નવ વાગ્યે દર્શાવવાની હતી, જેએનયુ વિદ્યાર્થી સંઘે સ્ક્રીનિંગની જાહેરાત એક દિવસ પહેલાં કરી હતી. 
 
સ્ક્રીનિંગ પહેલાં સમગ્ર કૅમ્પસમાં વીજળી 8.30 વાગ્યાથી જ ગુલ હતી. હાજર રહેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે પ્રશાસને વીજળી કાપી છે, સ્ક્રીનિંગ પહેલાં વીજળી ગુલ થવાને કારણે જેએનયુ પ્રશાસનની પ્રતિક્રિયા નથી મળી શકી.
 
ત્યાર બાદ વિદ્યાર્થીઓએ જેએનયુ વિદ્યાર્થી સંઘની ઑફિસની બહાર દરી પાથરીને ક્યૂઆર કોડની મદદથી પોતપોતાના ફોન પર ડૉક્યુમેન્ટરી જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઇન્ટરનેટ સ્પીડ ધીમી હોવાને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી.
 
ત્યાર બાદ કેટલાક વિદ્યાર્થીઓ પોત-પોતાના રૂમમાંથી લૅપટૉપ લઈને આવ્યા અને નાનાં-નાનાં સમૂહમાં ડૉક્યુમેન્ટરી જોવા લાગ્યા, જોકે ઇન્ટરનેટની સ્પીડને કારણે ડૉક્યુમેન્ટરી અટકી અટકીને ચાલતી હતી.
 
અનુમાન છે કે વિદ્યાર્થી સંઘની ઑફિસની બહાર લગભગ 300 વિદ્યાર્થીઓ ડૉક્યુમેન્ટરી જોવા પહોંચ્યા હતા.
 
જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રેસિડન્ટ આઇશી ઘોષે બીબીસીને કહ્યું કે, "મોદી સરકાર પબ્લિક સ્ક્રીનિંગ રોકી શકે છે, પરંતુ પબ્લિક વ્યૂઇંગ તો ન રોકી શકે."
 
કેન્દ્ર સરકારે યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસીની ડૉક્યુમેન્ટરી ' ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચેન' શૅર કરવાવાળી લિંક હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
 
ત્યાર બાદ જેએનયુ વિદ્યાર્થી સંઘે આ ડૉક્યુમેન્ટરી દેખાડવાનો નિર્ણય કર્યો.
 
બે એપિસોડની ડૉક્યુમેન્ટરી
 
બીબીસીએ બે એપિસોડની ડૉક્યુમેન્ટી બનાવી છે જેનું નામ છે - ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન. તેનો પહેલો એપિસોડ 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થઈ ચૂક્યો છે, બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત કરવાની તારીખ નક્કી કરાઈ હતી.
 
પ્રથમ એપિસોડમાં નરેન્દ્ર મોદીની શરૂઆતની રાજકીય કારકિર્દી બતાવવામાં આવી છે જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધીને ગુજરાતના મુખ્ય મંત્રીપદ સુધી પહોંચે છે.
 
આ ડૉક્યુમેન્ટરી એક અપ્રકાશિત રિપોર્ટ પર આધારિત છે જેને બીબીસીએ બ્રિટિશ ફૉરેન ઑફિસ પાસેથી મેળવ્યો છે. આ ડૉક્યુમેન્ટરીમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલી હિંસામાં કમસે કમ થયેલાં 2000 લોકોનાં મૃત્યુ પર સવાલો કરવામાં આવ્યા છે.
 
બ્રિટિશ વિદેશ વિભાગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી વર્ષ 2002માં ગુજરાતમાં હિંસાનો માહોલ ઊભો કરવા માટે 'પ્રત્યક્ષ રીતે જવાબદાર' હતા.
 
વડા પ્રધાન મોદી હંમેશાં હિંસા માટે જવાબદાર હોવાના આરોપોને ફગાવતા આવ્યા છે. પરંતુ જે બ્રિટિશ રાજદ્વારી પ્રતિનિધિએ બ્રિટિશ વિદેશ મંત્રાલય માટે રિપોર્ટ લખ્યો છે તેમની સાથે બીબીસીએ વાત કરી છે અને તેઓ પોતાના રિપોર્ટના નિષ્કર્ષ પર અડગ છે.
 
ભારતની સુપ્રીમ કોર્ટે પહેલાં જ વડા પ્રધાન મોદીને ગુજરાતની હિંસામાં કોઈ પણ પ્રકારે સંડોવણીના આરોપમાંથી મુક્ત કરી ચૂકી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કૉન્ફરન્સમાં આ ડૉક્યુમેન્ટરી વિશે કહ્યું કે, "મને સ્પષ્ટ કરવા દો કે અમારા મતે આ એક પ્રોપગૅન્ડા પીસ છે. આનો હેતુ એક પ્રકારનો નૅરેટિવને પ્રસ્તુત કરવાનો છે જેને લોકો પહેલાં જ ફગાવી ચૂક્યા છે."
 
આ ડૉક્યુમેન્ટરીને સરકાર સાથે જોડાયેલા કેટલાક લોકોએ દુષ્પ્રચાર અને ઔપનિવેશિક માનસિકતાથી પ્રેરિત ગણાવી છે, જ્યારે બીબીસીનું કહેવું છે કે ઊંડાણપૂર્વ તપાસ પછી જ બીબીસીના સંપાદકીય માપદંડો અનુરૂપ આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે.
 
આની પહેલાં હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને કેરળમાં કેટલાંક કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું અને બીજા અન્ય વિશ્વવિદ્યાલય પરિસરોમાં વિદ્યાર્થી સંઘ સામૂહિક રીતે વીડિયો જોવાના આયોજનની જાહેરત કરી ચૂક્યો છે.