ઉન્નાવ રેપ પીડિતાએ તોડ્યો દમ, ન્યાય મેળવવાના અંતિમ શબ્દો સાથે છોડી દુનિયા

Last Modified શનિવાર, 7 ડિસેમ્બર 2019 (10:45 IST)
ઉન્નવ ગૈગરેપ પીડિતાએ શુક્રવારે રાત્રે 11.40 વાગ્યે દમ તોડ્યો. પીડિતા 95 ટકા બળેલી હાલતમાં ગુરૂવારે રાત્રે દિલ્હી લાવવામાં આવી હતી. સફદરજંગ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ગુરૂવારે સવારે ઉન્નવમાં 5 આરોપીએ તેના પર પેટ્રોલ નાખીને તેને સળગાવી હતી. આરોપીઓમાંથી એક પીડિતા સાથે થયેલ ગેંગરેપનો મુખ્ય આરોપી છે.


સફદરજંગ હૉસ્પિટલના બર્ન ઍન્ડ પ્લાસ્ટિક વિભાગના મુખ્ય ડૉક્ટર શલભ કુમારે જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ રાત્રે 11.40 વાગ્યે થયું હતું.
ડૉક્ટર શુલભ કુમારે જણાવ્યું, "તેમને રાત્રે 11 વાગીને 10 મિનિટે હાર્ટઍટેક આવ્યો. અમે તેમને બચાવવાના પ્રયાસો કર્યા પણ બચાવી ન શક્યા."

પીડિતાના મૃત્યુ પછી તેમનાં બહેને કહ્યું કે પરિવાર ડરશે નહીં અને લડત ચાલુ જ રાખશે. હૉસ્પિટલમાં હાજર પીડિતાનાં બહેને બીબીસીને કહ્યું, "જે લોકોએ મારી બહેન સાથે બળાત્કાર કર્યો, હું ઇચ્છું છું કે તેમને મોતની સજા મળે."
unnav rape case
"કોર્ટમાં એ લોકો સામેની અમારી લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમને ન્યાય ન મળી જાય."
પીડિતાને જીવતાં સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાને ગુરુવારે સારવાર માટે ઍર ઍમ્બુલન્સની મદદથી લખનઉથી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા.

ડૉક્ટરો પ્રમાણે તેમનું શરીર 90 ટકા જેટલું દાઝી ગયું હતું અને તેમને જ્યારે દાખલ કરવામાં આવ્યાં ત્યારથી જ તેમની સ્થિતિ નાજુક હતી.

હૈદરાબાદ રેપ કેસ : કોઈ કહે છે ન્યાય થયો, કોઈ કહે આ હત્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે પીડિતાને જીવતાં સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો.

પોલીસનું કહેવું છે કે પીડિતા બળાત્કાર કેસમાં સુનાવણી માટે કોર્ટ માટે જઈ રહી હતી, એ વખતે જ આરોપીઓએ તેમને ઘેરી લીધાં હતાં અને આગ ચાંપી દીધી હતી.

આ કેસમાં ચાર આરોપીઓની ગુરુવારે ધરપકડ કરાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. પાંચમાં આરોપીની ધરપકડ શુક્રવારે કરવામાં આવી હતી.
ઉન્નાવ પોલીસ અધિક્ષક વિક્રાંત વીરે મીડિયાને જણાવ્યું કે પીડિતાએ આ વર્ષે જ માર્ચ મહિનામાં બે વ્યક્તિઓ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો.

પોલીસ આઈજી એસ. કે. ભગતે કહ્યું કે પીડિતાને સળગાવી દેવાના કેસમાં બળાત્કાર કરવાના કેસના આરોપી પર પણ આરોપ છે.

તેમને કહ્યું, "આ યુવક જેલમાં હતો અને થોડા દિવસ પહેલાં જ જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. અન્ય બાબતોની અમે તપાસ કરી રહ્યા છીએ."

પીડિતાના પરિવારે શું કહ્યું?

બીજી તરફ પીડિતાના પરિવારજનોનો દાવો છે કે આરોપી જેલમાંથી છૂટીને આવ્યો એ પછી ધમકી આપતો હતો અને આ અગાઉ પણ હુમલો કરવાની કોશિશ કરી હતી.

પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લગભગ એક ડઝન વખત કેસ પરત લઈ લેવા માટે ધમકી આપી હતી અને ઘર પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સ્થાનિક પત્રકાર વિશાલ સિંહે બીબીસીને જણાવ્યું, "પીડિતા સાથે માર્ચ મહિનામાં ગૅંગરેપની ઘટના ઘટી હતી અને એ કેસમાં જ તેઓ રાયબરેલી જઈ રહ્યાં હતાં."
"સ્ટેશન જઈ રહ્યા હતા એ વખતે પાંચ લોકોએ એમને પકડી લીધા અને જીવતાં સળગાવી દેવાનો પ્રયાસ કર્યો."

મીડિયાના માધ્યમથી આખો કેસ ચર્ચામાં આવ્યો તો ઉત્તર પ્રદેશ સરકાર પણ સક્રીય થઈ ગઈ. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એલાન કર્યું કે પીડિતાની સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે.

પીડિતાને સારવાર માટે પહેલાં લખનઉની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે તેમની સ્થિતિ નાજુક હોવાથી તેમને ઍર ઍમ્બુલન્સની મદદથી દિલ્હી લઈ આવ્યાં અને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.


આ પણ વાંચો :