શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્‍હી , શનિવાર, 5 ડિસેમ્બર 2015 (13:02 IST)

જેલમાંથી બહાર આવીને શુ હાર્દિક પટેલ હીરો બની જશે ? ભાજપની વધતી બેચેની

ગુજરાતની સ્‍થાનિક ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસને મળેલી ઝળહળતી સફળતાથી ભાજપ બેચેન બની ગયુ છે. ગ્રામીણ વિસ્‍તારોમાં થયેલા નુકસાન માટે પક્ષ હવે પાટીદાર અનામત આંદોલનની ભુમિકાને દબાયેલા અવાજે સ્‍વીકાર કરી રહ્યો છે. પક્ષને સૌથી મોટી ચિંતા હાર્દિક પટેલની છે. પક્ષને ડર છે કે, જેલની બહાર આવી ગયા બાદ કયાંક હાર્દિક પટેલ રાજયમાં રાજકીય હીરો બની ન જાય.
 
   પક્ષ દબાતા અવાજે એ પણ સ્‍વીકાર કરી રહ્યો છે કે, પીએમ મોદી અને અધ્‍યક્ષ અમિત શાહ ગુજરાતના રાજકારણમાંથી બહાર ચાલ્‍યા જતા ગુજરાતમાં પક્ષની સ્‍થિતિ નબળી પડી છે. મુશ્‍કેલી એ છે કે, હાલ પક્ષ પાસે સીએમ આનંદીબેન પટેલનો કોઇ વિકલ્‍પ નથી. અમિત શાહને સત્તાવાર રીતે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષનો પુર્ણ કાર્યકાળ મળવાનો નક્કી છે. રાજયમાં અન્‍ય કોઇ નેતા એવા નથી કે જેમની છબી કદાવર હોય.
 
   અત્રે એ નોંધનીય છે કે, શહેરી વિસ્‍તારોમાં ભાજપે કેસરિયા કર્યા છે પરંતુ ગ્રામીણ વિસ્‍તારોમાં તેને ફટકો પડયો છે. ત્‍યાં કોંગ્રેસે તેને તમાચો માર્યો છે. ખાસ કરીને પટેલ બહુમતીવાળા ગ્રામીણ વિસ્‍તારોમાં ભાજપને સૌથી વધુ નુકસાન થયુ છે. પક્ષને લાગે છે કે, પાટીદાર આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલ વિરૂધ્‍ધ નિપટવવામાં વધુ રાજકીય ચતુરાઇ દાખવવાની જરૂર હતી. પક્ષના એક વરિષ્‍ઠ મહામંત્રીના જણાવ્‍યા પ્રમાણે હાર્દિક વિરૂધ્‍ધ દેશદ્રોહ અને સરકાર વિરૂધ્‍ધ યુદ્ધ છેડવા જેવી કલમો હેઠળ કેસ નોંધાયો છે જેનાથી પટેલ સમૂદાય નારાજ છે.
 
    હવે સ્‍થાનિક ચૂંટણીઓ બાદ ડર એ બાબતનો છે કે, સરકાર વિરૂધ્‍ધ યુદ્ધ છેડવાના આરોપથી અગાઉ નિર્દોષ જાહેર થઇ ચુકેલ હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવ્‍યા બાદ કયાંક રાજકીય હીરો બની ન જાય. પક્ષ સામે અગાઉ આવી સ્‍થિતિ આવી હતી જયારે પટેલ નેતા કેશુભાઇએ બગાવતનું બ્‍યુગલ ફુંકયુ હતુ. જો કે ત્‍યારે મોદીએ રાજનીતિ અને ચાણકય નીતિવાળા કેશુભાઇની બગાવતનું સુરસુરીયુ કરી નાખ્‍યુ હતુ. જો કે હવે પક્ષને ફરી પટેલ સમુદાયની નારાજગી સહન કરવી પડી રહી છે ત્‍યારે હવે રાજયમાં સંગઠન માટે કુશળ અને સ્‍થિતિને નિપટવાની તાકાત ધરાવનાર કોઇ હસ્‍તી પક્ષ પાસે નથી.