1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (17:44 IST)

પાટીદારોની માંગણીઓ મુદ્દે સરકારનો પાટીદારોને ઠેંગો, મંત્રણા ભાંગી પડી

ગાંધીનગરમાં  પાટીદારો અને ભાજપ સરકાર વચ્ચે અનામતના મુદ્દે યોજાયેલી બેઠકમાં અનામત આંદોલનનું કોઈ નિરાકરણ આવી શક્યુ ન હતું. પાટીદારોના એક પણ મુદ્દે સરકાર પક્ષે સહમતિ સધાઇ શકી ન હતી પરિણામે મંત્રણા ભાંગી પડી હતી. પાટીદારોએ ફરી એકવાર ભાજપ સરકાર સામે બુંગિયો ફુંકવાના બહાને હવાતિયા માર્યા છે કેમ કે, પાટીદારોનો જ આંદોલનકારીઓને સાથ નથી. ગાંધીનગરમાં  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી નાનુ વાનાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં પાસ તરફથી એવી માંગણી કરાઇ હતી કે,તોફાનોમાં માર્યા ગયેલાં પાટીદારોને ૩૫ લાખનું વળતર આપો, નોકરી આપો, ઓબીસીની જેમ પાટીદાર આયોગની રચના કરો, અનામત આપો, પાટીદારો સામે રાજદ્રોહના કેસો પાછા ખેંચો. આ માંગણીઓ સ્વિકારવા સામે સરકારે પક્ષે સહમતિ સધાઇ શકી ન હતી. મંત્રીઓએ એક જ જવાબ આપ્યો કે, આયોગ રચવાની સત્તા સરકાર પાસે નથી. રાજદ્રોહના કેસો પાછા ખેંચવાની પણ સત્તા સરકાર પાસે નથી. મંત્રીઓ માંગણી સ્વિકારવા માટે સમય પણ માંગ્યો હતો જેથી પાસના કન્વીનરો ઉશ્કેરાયાં હતા . તેમણે એવો આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર ટાઇમ પાસ કરે છે. કોઇ ચોક્કસ આયોજન નથી. પાંચ કલાક સુધી બેઠક ચાલી પણ કોઇ નિર્ણય કે સમાધાન થઇ શક્યુ ન હતું. બેઠકના સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકાયો હતો. બેઠકના અંતે પાસના કન્વીવરોએ ભાજપ સરકાર વિરૃધ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. બેઠકના અંતે પાટીદારોએ એવી જાહેરાત કરી કે, સોમવાર બાદ પાટીદારો અનામતના મુદ્દે ફરી એક વાર ભાજપ સરકાર સામે આંદોલન કરશે. બેઠકના અંતે પાટીદાર આંદોલનકારીઓએ એવો આક્ષેપ કર્યો કે, ભાજપ સરકારે પાટીદારો વિરૃધ્ધ સંદેશો આપી દીધો છે. સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અનામત બાબતે ગુજરાત સરકાર સ્વતંત્ર નિર્ણય લઇ શકે તેમ નથી. તમામ નિર્ણય દિલ્હીથી જ થાય છે.સરકાર પાસે સત્તા જ નથી . માત્ર નિર્દોષ યુવાનો જેલમાં પુરવાની સત્તા છે.