1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: બુધવાર, 6 ઑગસ્ટ 2014 (17:14 IST)

કાર્ટૂન કેરેક્ટરને લગતી રાખડીઓ બાળકો પસંદ કરી રહ્યા છે

શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે ત્યારે આગામી રવિવારે આવનારી રક્ષાબંધનને કારણે બજારમાં થોડી તેજી આવી છે. માર્કેટમાં રાખડીઓનું બજાર હવે ધમધમવાની પૂરજોશ તૈયારીઓ થઈ ગઈ છે. આ વખતે પણ બાળકોની રાખડીઓમાં સૌથી વધુ વિવિધતા જોવા મળી રહી છે.

દર વખતની જેમ કાર્ટૂન કેરેક્ટર આધારિત કિડ્સ સ્પેશિયલ રાખડીનું વેચાણ અત્યારથી જ વધી ગયું છે. આ રાખડીઓમાં છોટા ભીમ, ગણેશ, બાલક્રિશ્ર્ના, હનુમાન, ઘટોત્ઘચ, માઇટી રાજુ, અર્જુન, કર્ણ વગેરેની સાથે સાથે સ્પાઈડરમેન, બેટમેન, સુપરમેન અને બેનટેન તેમજ મોટું-પતલું નામના કાર્ટૂન કેરેક્ટરને લગતી રાખડીઓ પણ બચ્ચા પાર્ટીને ખૂબ પસંદ પડી રહી છે. બાર્બી ડોલ, ટોય સ્ટોરી નામની ફિલ્મના વુડી નામના કેરેક્ટર બેઝ રાખડી પણ બાળકો પસંદ કરી રહ્યા છે.

બજારમાં આ રાખડીઓ રૂ. ૧૫થી ૫૦માં મળે છે. પ્લાસ્ટિકના બેલેટ જેવી લાઈટિંગ અને રેડિયમ બજેટની રાખડીઓ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે.

બાળકોની રાખડીઓ પછી જો કોઈની રાખડીઓમાં સૌથી વધુ વિવિધતા હોય તો તે ભાભીની રાખડીઓમાં જોવા મળી છે. બહેન દ્વારા ભાઈ અને ભાભી બંનેને રક્ષા અર્થે બાંધવામાં આવતી રક્ષાની નિશાનસમી રાખડીઓમાં સાલ દર સાલ વિવિધતા આવતી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાભી માટે સ્પેશિયલ ફૂમતાવાળી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. ઓણસાલ પણ જરદોશી વર્કની બેલ (ઘંટડી) વાળી ફૂમતા અને ઝૂમખા વાળી તથા ખાલી મણકાની સેરોવાળી ભાભીની રાખડીઓ બજારમાં રૂ. ૨૦થી ૨૦૦ સુધીમાં મળી રહી છે.

ભાઈ માટેની રાખડીઓમાં ઓલટાઈમ ફેવરિટ રૂદ્રાક્ષ અને ઓમવાળી સિંગલ દોરાની રાખડીઓની માગ વધુ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર બજારમાં હજુ ગુરુવારથી ગરમી જોવા મળશે. અત્યારે જે મહિલાઓ રાખડી ખરીદી રહી છે તે બહારગામ રહેતા ભાઈઓ માટે ખરીદી રહી છે. એટલે વજનમાં લાઈટ વેઈટ રાખડીઓનો ઉપાડ વધુ છે પણ ગુરુવારથી રાખડીઓની દુકાનો પર ભારે ભીડ જામશે. અત્યારે રૂ. ૧૫થી લઈ રૂ. ૨૦૦ સુધીની રાખડીઓ બહેનો ખરીદી રહી છે.

સોમવારે અમદાવાદ ખાતે આવેલા અમદાવાદ હાટમાં ખાસ ગુજરાત મહિલા વિકાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વિવિધ રાખડીઓના ૮૪ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાત અને અમદાવાદના વિવિધ, ગ્ાૃહ અને કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા તેમ જ મહિલાઓને પણ આત્મનિર્ભર થવાની તક પૂરી પાડવા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એક અઠવાડિયુ ચાલનારા આ રાખીમેળામાં લગભગ ૨૦૦થી ૨૫૦ પ્રકારની વિવિધ રાખડીઓ જોવા મળી હતી.