જાણો ગુજરાતના કયા વિસ્તારના નુકસાન બદલ વિશ્વ બેંક સામે અમેરિકાએ બાંયો ચઢાવી
કચ્છમાં પર્યાવરણના ભંગ બદલ અમેરિકામાં વર્લ્ડ બેન્કની પેટા સંસ્થા 'ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન સામે કેસ થયો છે. ગુજરાતના કોઈ વિસ્તારના પર્યાવરણને નુકસાન બદલ અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો હોય એવો આ સંભવત: પહેલો કિસ્સો છે. પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વનો બનેલો આખો કિસ્સો સમજવા જેવો છે. ગુજરાતી વેબસાઈટના રીપોર્ટ પ્રમાણે આઈસીએફએ 'તાતા ગૂ્રપ'ની પેટા કંપની 'કોસ્ટલ ગુજરાત પાવર પ્લાન્ટ લિમિટેડ'ના મુન્દ્રા ખાતેના પ્લાન્ટ માટે ૨૦૦૮માં ૪૫ કરોડ ડૉલરની લોન મંજૂર કરી હતી. એ પછી પ્લાન્ટ શરૃ થયો હતો. લોન આપ્યા પછી વર્લ્ડ બેન્કના નિયમ પ્રમાણે 'કોમ્પ્લિએન્સ એડવાઈઝર ઓમ્બડ્ઝમેન (સીએઓ)' દ્વારા ઓડિટ થયું હતુ. એ ઓડિટમાં જણાયુ હતુ કે કોસ્ટટલ પાવરે પર્યાવરણિય કાયદાનો ભંગ કર્યો છે અને કરી રહી છે. એટલે કોસ્ટલ પાવર વિરૃદ્ધ તો કાર્યવાહી થાય જ પરંતુ તેને લોન આપનારી સંસ્થા આઈસીએફ વિરૃદ્ધ પણ કાર્યવાહી થાય. આઈસીએફ વિરૃદ્ધ થાય એટલે એ વર્લ્ડ બેન્ક સામે કાર્યવાહી થયેલી ગણાય. વિશ્વ બેન્કને કચ્છના દરિયાકાંઠે કેટલાક કિલોમીટરનો વિસ્તાર પ્રદૂષિત કરવા બદલ કોર્ટમાં હાજર થવું પડે એવો આ રેર કિસ્સો જોવા મળી રહ્યો છે. ઓડિટ રિપોર્ટ પ્રમાણે પ્લાન્ટની સ્થાપના પછી પર્યાવરણનું સંરક્ષણ થવુ જોઈએ એ મુજબ થયુું નથી. પાવર પ્લાન્ટે અહીં પાણી દરિયામાં ભળતા પહેલા ઠંડુ થાય એવી સિસ્ટમ ગોઠવવાની હતી. પરંતુ એ સિસ્ટમ ગોઠવાઈ ન હતી. પ્લાન્ટનું પાણી સીધું જ દરિયામાં જવાથી સમુદ્રી પાણીનું તાપમાન વધ્યુ હતુ. તેના કારણે અહીં અનેક માછલીના મોત થયા હતા, જ્યારે બીજી માછલીઓ એ વિસ્તારથી દૂર જતી રહી હતી. જે માછલી એ વિસ્તારમાં રહી તેમની પ્રજનનક્ષમતા પણ ઘટી ગઈ હતી. પ્લાન્ટના આગમન પછી ૬ ગામના સેંકડો માછીમારોની રોજગારી છિનવાઈ ગઈ છે. વધુમાં પ્લાન્ટના બાંધકામથી દરિયાકાંઠે ઉગેલા મેન્ગ્રોવ્સ અને કુદરતી રીતે રચાતા રેતીના ઢૂવા નષ્ટ થયા છે. એ બધી ગરબડથી છેવટે પર્યાવરણને હાની પહોંચે છે. આ કેસ કેટલાક વર્ષ જૂનો છે પણ હવે અમેરિકાની સર્વોચ્ચ-સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ૨૦૧૧માં સૌથી પહેલા 'માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠને' પ્લાન્ટના પાણી મુદ્દે ફરિયાદ કરી હતી. એ પછી વર્લ્ડ બેન્ક દ્વારા તપાસ થતાં તેમા ગરબડ મળી આવી હતી. દરમિયાન પર્યાવરણ મુદ્દે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા 'અર્થ રાઈટ્સ ઈન્ટરનેશનલ (ઈઆરઆઈ)'એ આ કેસ અમેરિકાની કોર્ટ સુધી પહોંચાડયો હતો. વર્લ્ડ બેન્ક ઉપરાંત 'એશિયન ડેવલપમેન્ટ બેન્કે' પણ પ્રોજેક્ટને ફંડ આપ્યું હોવાથી તેના વિરૃદ્ધ પણ કેસ થઈ શકે છે. આ કેસ અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો પછી કેસ ચલાવવો કે કેમ એ પ્રશ્ન ઉભો થયો હતો. માટે અમેરિકી સરકારે 'એમિક્સ ક્યુરી (કોર્ટ મિત્ર)'ની સલાહ લીધી હતી. એમની એવી સલાહ હતી કે કેસ ચાલવો જ જોઈએ. અમેરિકાની ન્યાય પ્રણાલી પર લોકોનો અને આવા કિસ્સામાં વિશ્વના અન્ય દેશોનો વિશ્વાસ તો જ ટકી રહેશે. માટે અમેરિકી સરકારે આ કેસ ચાલવા દેવો જોઈએ એવું પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આગામી સમયમાં કોર્ટ તારીખ નક્કી કરે પછી તેની દલીલો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં આરંભાશે. અમેરિકાના કાયદા પ્રમાણે અમેરિકામાં ઓફિસ ધરાવતી કોઈ પણ સંસ્થા પરદેશમાં ગમે ત્યાં નુકસાનકારક કામગીરી કરતી હોય તો તેને કોર્ટમાં પડકારી શકાય છે. માટે આ કેસ અમેરિકાની કોર્ટ સુધી પહોંચ્યો છે.