શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 30 નવેમ્બર 2021 (17:53 IST)

1 અને 2 ડીસેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ

રાજ્યમાં પહેલી અને બીજી ડિસૅમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ભારતીય હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આજે સાંજથી રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ થઈ શકે છે.ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુજરાતના આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરાઈ છે. સાથે જ આ જિલ્લાઓ માટે બીજી ડિસેમ્બરે યલો ઍલર્ટ જાહેર કરાઈ છે.
 
આઈએમડીનાં અમદાવાદનાં પ્રાદેશિક નિદેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી શકે છે.
 
તેમણે કહ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને ખેડૂતોને પણ પાકની સુરક્ષા અંગે સૂચના આપવામાં આવી છે.   
 
તે ઉપરાંત તા.૦૧ ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે થી ખુબ ભારે વરસાદની આગાહી તેમજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લામાં ઓછો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે તા.૦૨ ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તથા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓછો- મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલમા રાજ્યમાં તા.૨૨-૧૧-૨૦૨૧ની સ્થિતિએ રવી પાકનુ કુલ.૧૫,૧૪,૦૭૮ હેક્ટરમાં વાવેતર થયેલ છે જેમા જીરુ ૬૩,૧૦૦ હેક્ટર, રાઇ ૨,૩૫,૪૦૦ હેક્ટર, બિનપિયત ઘઉ ૧૮,૭૦૦ હેક્ટર તેમજ ચણા, અજમો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેમજ જીરુ અને ઘઉનુ વાવેતર ચાલુમા છે. જેમા ખેડુતોએ કાળજી લેવી જરુરી છે તેમજ કેટલાક ખરીફ પાકો કાપણીના તબક્કે છે.
 
મંત્રીએ કહ્યુ કે, વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમા ખેતરમાં કપાસ, રાઇ, વરિયાળી, શાકભાજી, દિવેલા જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમા જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. બીટી કપાસ પાકમાં વિણી બાકી હોય તો તુરંત કરી લેવી અને તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. તે ઉપરાંત વરીયાળી, દિવેલા, રાઇ, શાકભાજી જેવા ઊભા પાકોમા પિયત ટાળવુ. ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમા સુરક્ષિત રીતે જ પહોંચાડવા. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ ઘઉ અને જીરુનુ બિયારણ પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમા રાખવુ.