1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 નવેમ્બર 2020 (12:48 IST)

શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશ

ગત મંગળવાર બુધવારે ગાંધીનગર જિલ્લા પંચાયતે એકપણ દર્દીનું મોત ન થયું હોવાની જાહેરાત કરી હતી પરંતુ બીજી ત્રફ કોરોનાથી મૃત્યું પામેલા 4 દર્દીઓના મૃતદેહોને ગાંધીનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવતાં રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે મેયરે જણાવ્યું હતું કે પરિવારની મંજૂરી બાદ આ પ્રકારે મૃતદેહને લઇ જવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી. જેને લઇને નાયબ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. 
 
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી  વ્યક્તિઓના ચાર મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાના જે અહેવાલો વાયરલ થયા છે તેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખૂબ જ ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા છે. એટલું જ નહીં, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તેમાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગરની આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓના ખુલાસા માંગવાની  સુચના આપી છે. 
 
નીતિન પટેલે એવી પણ સૂચના આપી છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.