વડોદરામાં એક પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો, લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર
છેલ્લા એક અઠવાડિયાથી જાનૈયાની ગાડીઓ અકસ્માતનો ભોગ બની રહી છે. પ્રસંગ માતમમાં ફેરવાઇ જતા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ગુરૂવારે મોડી રાત્રે વડોદરા શહેરના અટલાદરા- પાદરા રોડ ઉપર નારાયણ વાડી પાસે ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત થયા હતા. મૃતકોમાં એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનું મોત થયું હતું. પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતો હતો.
ગુરુવારે રાત્રે વડોદરા શહેરના અટલાદરા- પાદરા રોડ ઉપર નારાયણ વાડી પાસે રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પાદરા તાલુકાના લોલા ગામમાં રહેતો પરિવાર ભોગ બન્યો હતો. અકસ્માતમાં 5ના મોત થયા હતા જેમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણના મોત થયા હતા. પોલીસે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જેમાં સારવાર દરમિયાન 2ના મોત થયા હતા.
તપાસમાં બહાર આવ્યું હતું કે આ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત પાદરા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર પાદરા તરફથી આવતી હતી અને સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં અરવિંદ પૂનમ નાયક (ઉ.વ 28), કાજલ અરવિંદ નાયક( ઉ.વ 25), શિવાની અલ્પેશ નાયક (ઉ.વ 12), ગણેશ અરવિંદ નાયક( ઉ.વ 5), દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉ.વ 6) તમામ લોકો વડોદરાના પાદરા તાલુકાના લોલા ગામના રહેવાસી છે. જ્યારે આર્યન અરવિંદ નાયક નામનો 8 વર્ષનો બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.