શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (16:12 IST)

ગુજરાતમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય, રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ, આજી ડેમ થયો ઓવરફ્લો

રાજકોટમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના પગલે સવારે સાત વાગ્યા સુધી સત્તાવાર કરેલ જાહેરાત મુજબ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.  હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સર્કિય થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં નોંધાયો છે. 7 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે શહેરીજનોની હાલત ખરાબ જોવા મળી હતી.
 
અમરેલી જિલ્લામાં ભાદરવામાં મેઘમહેર થઇ હતી. બાબરા, લાઠી, દામનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમરેલીના વીરડીમાં ધોધમાર વરસાદ અંદાજીત બે કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
 
સૌરાષ્ટના અન્ય જીલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યાં. જુનાગઢ, પોરબંદર, ઉપલેટા, જેતપુર, જસદણ, ગોંડલ, મોરબી સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો. આ સિવાય અમરેલીના બાબરા, દામનગર, લાઠી સહિતના તાલુકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની પધરામણી થઈ છે. ભાવનગરમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે.
 
સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દિયોદર, પાલનપુર, ડિસા, અંબાજી, પાટણ, સિદ્ધપુર, ઊંઝામાં પણ વરસાદ પડ્યો નોંધાયો હતો. સાબારકાંઠામાં હિંમતનગર, પ્રાંતિજ, અરવલ્લી જિલ્લાના શામળાજી, મોડાસા, બાયડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મોડાસા, ભિલોડામાં 2 ઈંચ વરસાદ, જ્યારે ધનસુરા, મેઘરજ અને માલપુરમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.