1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 30 ઑક્ટોબર 2023 (15:33 IST)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 9નાં મોત, આજે વડોદરામાં વધુ એક યુવક કામ કરતા ઢળી પડ્યો

heart attack
heart attack in gujarat
ગુજરાતમાં ગઈકાલે હાર્ટ એટેકથી 9 લોકોના મોત થયા છે. રવિવારે વડોદરામાં એકનું મોત, ભાવનગર અને સુરતમાં 3-3નાં વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. આ તરફ  વડોદરાના એક યુવાનનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિગતો મુજબ 40 વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત તો 58 વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું પણ હાર્ટ એટેકથી મોત થયું. આ સાથે રાજુલાથી ભાવનગર આવતા સમયે ઉમેશ માંડલિયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જેને લઈ મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

આ તરફ સુરતમાં પણ એક જ દિવસે 3 લોકોના મોત થયા છે. વિગતો મુજબ અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. આ સાથે પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિ સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. વિગતો મુજબ સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ તરફ સુરતના વરાછાના 43 વર્ષીય મહેશ ખાંમ્બરનું મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે અગાઉ હાર્ટ એટેક આવ્યા બાદ ફરીથી હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે PM રિપોર્ટ બાદ મૃત્યુનુ યોગ્ય કારણ બહાર આવશે. 

સંસ્કારી નગરી વડોદરાના 29 વર્ષીય કરણ પવારનું હાર્ટ એટેકથી મોત થયું છે. વિગતો મુજબ VIP રોડ પરની અશોક વાટિકામાં રહેતા યુવાનનું મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. મૃતકને બેચેની જેવું લાગતા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવા ગયો હતો. જોકે ડૉક્ટરની ચાલુ તપાસમાં કરણ પવાર અચાનક ઢળી પડતા મોત થયું છે. વડોદરાના એક યુવકનું વિદેશમાં હાર્ટ એટેકથી મોત થયું છે. વાત જાણે એમ છે કે,  વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. પ્રકાશ કામ કરતા સમયે જ અચાનક જ ઢળી પડ્યો હતો. તેના મોતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.


પાટણમાં પણ એક આધેડનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. ચાણસ્માના રણાસણ ગામના સરપંચના પતિ કાનજીભાઈ પરમાર સિદ્ઘપુરમા દીકરીને ત્યાં ગયા હતાં અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચાલતા-ફરતા હાર્ટ એટેકથી થઈ રહેલ મોત પાછળ કોવિડની લિંકને જવાબદાર ઠેરવ્યુ છે.  ગુજરાત સહિત દેશમાં હાર્ટ અટેકના મામલા વધ્યા પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ભાવનગરમાં કહ્યુ કે હાર્ટ એટેકથી થઈ રહેલ મોત પાછળ કોરોના જવાબદાર છે. 




(Edited by - Vrushika Bhavsar)