શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (14:26 IST)

Corona virus- વડોદરા શહેરમાં હાહાકાર 8 નવજાત બાળક કોરોના સંક્રમિત

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો  દેખાવાનું શરૂ થતા તંત્ર ચિંતાતુર બન્યું છે. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં છેલ્લા એક સપ્તાહથી પ્રતિદિન કોરોના સંક્રમિત છ જેટલા બાળકો સારવાર માટે આવી રહ્યા છે. પીડીયાટ્રીક વિભાગ દ્વારા બાળકોના કોરોના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ અલાયદી આઠ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
 વડોદરા સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે જેના માતા-પિતા અથવા પરિવારમાં કોઇ સભ્ય કોરોના સંક્રમિત છે. તેવા  માતા-પિતાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન પ્રતિદિન પાંચથી છ બાળકો કોરોનાની સારવાર માટે આવી રહ્યા છે. જોકે તેઓની સ્થિતિને ધ્યાનમાં લઈને તેઓને હોમકોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. હાલના તબક્કે હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના સંક્રમિત ત્રણ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી ત્રણ વર્ષના એક બાળકની હાલત  ગંભીર છે.
 તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન નવજાત પંદર દિવસના જોડિયા બાળકો પણ કોરોના  સંક્રમિત થતા તેઓને સારવાર આપવામાં આવી રહી છે.  જેઓની હાલત હાલ સુધારા ઉપર છે.  કોરોના સંક્રમિત બાળકોની સંખ્યામાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઇ હોસ્પિટલ દ્વારા અલાયદી 8 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. બાળકો સાથે તેમના માતા-પિતા અથવા તો કેરટેકર રહી શકે તેવી પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં વધુ બેડની જરૂરિયાત ઊભી થશે તો તે અંગે પણ તંત્ર સજ્જ હોવાનું તેઓએ દાવો કર્યો હતો.
 સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ ઉપરાંત વડોદરા શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા બાળકો ના નિષ્ણાત ડોક્ટરોની હોસ્પિટલ અને ક્લિનીકોમા કોરોના સંક્રમિત બાળકો સારવાર માટે આવી રહ્યા છે. કોરોનાનો  ભોગ બનતા મોટા લોકો માટે રેમડિસીવર જેવા ઇન્જેક્શનની સુવિધા છે. પરંતુ નાના બાળકોને ઈન્જેકશન આપવા હાલ કોઈ ગાઇડલાઇન ન હોવાના કારણે બાળકોના વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને તેઓને સારવાર આપવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવાં લક્ષણો જોવા મળી રહ્યા છે. ડો. શીલાબેન ઐયરે માતા પિતાને અપિલ કરતાં જણાવ્યું હતું કે હાલ કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઈને માતા-પિતાએ પણ પોતાના બાળકો માટે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. માતા-પિતાએ પોતાના બાળકોને ભીડવાળી જગ્યા માં લઈ જવા જોઈએ નહીં. અને જરૂર જણાય ત્યાં બાળકોને પણ માસ્ક પહેરાવને લઈ જવા. સાથે તેમણે ઉમેર્યું કે શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટનનુ પાલન કરવું જોઈએ.