મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 27 ઑગસ્ટ 2022 (13:16 IST)

બનાસ તારા વહેતા પાણી: 2 દિવસમાં બનાસ નદીએ 8 લોકોનો ભોગ લીધો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાથી નદીઓ અને ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. જોકે નદી બેકાંઠે વહેતા તંત્ર દ્વારા નદીકાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નદીમાં જીવના જોખમે ન્હાવાની મજા માણી રહ્યા છે.  ત્યારે નદીમાં ન્હાવા પડેલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત બે દિવસમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 
 
બનાસ નદીમાં અલગ અલગ જગ્યાએ ન્હાવા પડેલા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગઇ કાલે  કાંકરેજના ઉંબરી ગામ પાસે બનાસ નદીમાં ન્હાવા પડેલા બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ  યુવકોના મોત પરિવારમાં શોક મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ જુનાડીસા વિસ્તારમાં નદીમાં 3 યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું.. ભારે વરસાદને લઇને નદીમાં  પુર આવતા યુવાનો નદી જોવા ગયા હતા આ દરમિયાન નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. 
 
તો આ તરફ ડીસા નજીક બનાસ નદીમાં એક વૃદ્ધ નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તણાઇ ગયા હતા. આ અંગે જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા બનાસ નદીમાં વૃદ્ધની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે 3 કલાકની શોધખોળ બાદ પણ વૃદ્ધની કોઇ ભાળ મળી ન હતી. નોંધનીય છે કે વૃદ્ધ નદીમાં ડૂબતા હોય તેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
 
વધુમાં આવી જ એક કરુણ ઘટના બનાસકાંઠાના અમીરગઢ ગામે સામે આવી  હતી.  જેમાં બનાસ નદીના ઊંડા પાણીમાં બાળક નહાવા પડ્યો હતો. જે દરમિયાન બાળક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાની  જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યાં હતા અને ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ હાથ લાગતા અરેરાટી મચી જવા પામી હતી.