1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (17:08 IST)

વર્કિંગ કપલ્સ માટે એલર્ટ ? આયાને ભરોસે બાળકીને મુકીને પતિ-પત્ની કરતા હતા નોકરી, આયાએ તો દિકરીનો સોદો જ કરી નાખ્યો

crime news
આજકાલની હાઈ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલને કારણે જીવન પહેલા જેવુ રહ્યુ નથી. આજકાલ દરેક ઘરમાં પતિ-પત્ની બંને નોકરી કરતા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં સૌથી ખરાબ સ્થિતિ બાળકની થાય છે પતિ અને પત્નીના વર્કિંગ અવર્સને લીધે તેમના બાળકની સાચવણી સારી રીતે થતી નથી, કારણ કે તેની કાળજી લેવાવાળું ઘરમાં કોઈ નથી હોતું. છેવટે તેને આયાના ભરોસે મૂકીને દંપતીએ કામે જવું પડે છે. અમદાવાદમાં આવો એક કેસ સામે આવ્યો છે. જેના પરથી દરેક વર્કિગ કપલ્સે સબક લેવા જેવો છે. શહેરમાં એક વર્કિંગ કપલે પોતાના બાળકને સાચવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને આયાને રાખી હતી, પરંતુ આ આયાએ તેમના બાળકને સાચવવાની જગ્યાએ તેને મહારાષ્ટ્રમાં એક દલાલને વેચવા માટેનો પ્લાન ઘડી નાખ્યો હતો. આ માસૂમ બાળકને એક ફોન-કોલની મદદથી દલાલના હાથમાં જતી બચાવી લેવામાં આવી છે.
 
શહેરના વર્કિંગ કપલને કામને કારણે દીકરીના ઉછેરમાં તકલીફ થતી હતી
શહેરના ચાંદખેડાના પોશ વિસ્તારમાં રહેતા રાજીવભાઈ અને તેમની પત્ની નિશા (પતિ અને પત્નીનાં નામ બદલ્યાં છે) વર્કિંગ કપલ છે. તેમને એક 11 મહિનાની માહી નામની દીકરી છે, જે તેમની સાથે ખૂબ જ લાડ કોડથી ઊછરી રહી છે. રાવજીભાઈ આઈટી કંપની ધરાવે છે. તેમની પત્ની પણ આઈટી પ્રોફેશનલ છે. બંને જણા કામના સમયે પોતાની દીકરી માહી પર ધ્યાન આપી શકતાં નહોતાં, જેથી તેના ઉછેરમાં ખૂબ જ તકલીફ પડતી હતી
 
કપલે દીકરીની સાચવણી માટે ઓનલાઈન આયાને શોધી
એક દિવસ રાજીવભાઈ અને નિશાએ પોતાની દીકરી માહીની સાચવણી માટે ઓનલાઈન આયા માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન આયા માટેની એક એજન્સી તેમને મળી હતી. આ એજન્સીમાં કામ કરતી એક બિંદુ નામની આયાને માહીની સાચવણી માટે દર મહિને 18 હજાર રૂપિયાના પગાર પર તેમણે રાખી લીધી હતી. બિંદુ માહીને શરૂઆતમાં સારી રીતે રાખતી હતી. બંને દંપતી રોજ પોતાનું કામ સારી રીતે કરતાં હતાં. જીવન એક દમ સરળતાથી ચાલતું હતું. બિંદુના મનમાં કંઈક અલગ જ વિચાર ચાલતો હતો એની રાજીવભાઈ અને નિશાને જાણ નહોતી, પરંતુ એક ફોન-કોલ આવ્યો અને મોટા રેકેટનો પર્દાફાશ થઈ ગયો.
 
આયાએ જ બાળકીનો ફોટો દલાલોને આપ્યો હતો
રાજીવભાઈ પર પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે? આ ફોન-કોલથી રાજીવભાઈ એક દમ ચોંકી ગયા હતા. ફોન પર તેમને એવી માહિતી મળી કે સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દીકરીના ફોટો છે. બિંદુ માહીને વેચવા માગે છે. આ ફોનથી ગભરાઈ ગયેલા રાજીવભાઈએ તાત્કાલિક ઘરે ફોન કરીને માહી ક્યાં છે એની તપાસ કરી ત્યારે માહી અને બિંદુ ઘરે જ હતાં.
બંગાળના દંપતીને શંકા ગઈ હતી
આ અંગે ઝોન-2ના DCP વિજય પટેલે જણાવ્યું હતું કે, બિંદુ પશ્ચિમ બંગાળની વ્યક્તિ છે. તેનો સંપર્ક મહારાષ્ટ્રના પ્રશાંત કામલે સાથે થયો હતો. પ્રશાંત કામલે પશ્ચિમ બંગાળના દંપતીને જણાવ્યું કે બિંદુ નામની મહિલા છે જે ગરીબીના કારણે પોતાનું બાળક દત્તક આપવા માંગે છે. જેથી પશ્ચિમ બંગાળના દંપત્તિએ બાળકીના ફોટો માંગ્યા હતાં. બિંદુએ બાળકી સાથે ફોટો પાડીને મોકલ્યા હતાં. ત્યાર બાદ દંપતીએ ફોન પર બિંદુ સાથે વાત કરી ત્યારે બાળકીના બર્થ ડે વિશે પૂછ્યું તો તે જવાબ આપી નહોતી શકી. અહીં થી જ બંગાળના દંપતીને શંકા ગઈ હતી.
 
હવે આખા રેકેટના મુળ સુધી પહોંચી શકાશે
આ દંપતીએ સ્થાનિક પોલીસને જાણ કરી અને ત્યાંથી પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કરતાં ચાંદખેડા પોલીસ અમદાવાદમાં રાજીવભાઈના ઘરે પહોંચી હતી અને બિંદુની ધરપકડ કરી લીધી હતી. પોલીસને બિંદુ પાસેથી પશ્ચિમ બંગાળની ટિકીટ પણ મળી આવી હતી. જો ગુજરાત પોલીસ એક દિવસ મોડી પહોંચી હોત તો બાળકી વેચાઈ ગઈ હોત. અમદાવાદ પોલીસની સમય સૂચકતાથી એક બાળકી બચી ગઈ. હવે આખા રેકેટના મુળ સુધી પહોંચી શકાશે.