શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જુલાઈ 2022 (10:33 IST)

ગુજરાતમાં ઓગસ્ટમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે, ગત વર્ષ કરતાં આ વર્ષે જુલાઈમાં બમણો વરસાદ થયો

ગુજરાતમાં જુલાઈમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે. આજથી હવે વરસાદનું જોર ઘટશે. ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં ફરી ચોમાસાનો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસની આગાહી બાદ વરસાદે વિરામ લીધો છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર છુટાછવાયા ઝાપટાં પડવાની વકી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગત વર્ષે 27 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 11 ઈંચ વરસાદ થયો હતો. જે આ વર્ષે 23 ઈંચ નોંધાયો છે. હાલ રાજ્યના જળાશયોમાં 62.82% પાણીનો જથ્થો છે.છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, પાટણના સરસ્વતિમાં સાડા ત્રણ ઈંચ, ભિલોડામાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, સતલાસણા, ક્વાંટ, પાટણ, વાઘરા, સિદ્ધપુર, ખંભાત, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુર, ચાણસ્મા, પાલનપુર, કાંકરેજ, હિંમતનગર દિયોદરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય વડગામ, તારાપુર, ધાનેરા, અમરેલી, કલોલ, મહુધા અને અમિરગઢમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.