1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (16:56 IST)

2006માં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટ કેસનો ફરાર આરોપી ઝડપાયો

ગુજરાત એટીએસે વર્ષ 2006ના કાલુપુર રેલવે સ્ટેશન બૉમ્બ બ્લાસ્ટ મામલે વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાજીની ધરપકડ કરી છે. આરોપીએ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ ઝૂલફિકર ફયાઝ કાગઝી અને અબુ ઝુંડાલને બોર્ડર ક્રોસ કરાવીને બાંગ્લાદેશ મોકલી આપ્યા હતા. પોલીસ ગિરફતમાં આવેલો આરોપી અબ્દુલ ગાઝી છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો. આરોપી બાંગ્લાદેશ બોર્ડરથી નજીકના ગામડામાં રહીને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને આશરો આપીને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ કરતો હતો. વર્ષ 2006માં અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટમાં અનેક આરોપીઓને આશરો આપી. બોર્ડર ક્રોસ કરાવવાનું કામ અબ્દુલ ગાઝીએ કર્યું હતું. આ બ્લાસ્ટમાં મોહમ્મદ અસલમ ઉર્ફે અસલમ કશ્મીરી ઝૂલફિકર, અબુ ઝુદાલ સહિત અનેક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ઘટનામાં સામેલ હતા.આ ગુનામાં અત્યાર સુધી 8 આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે 9 આરોપીઓ હાલ પણ વોન્ટેડ છે. 3 આરોપીઓ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. અબુ ઝુદાલ અને ઝૂલફિકરે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બદલો લેવા માટે આતંકવાદી હુમલાને અંજામ આપવા કાવતરું ઘડ્યું હતું. જેના ભાગ રૂપે નેપાળથી rdx, એકે 47 અને હેન્ડ ગ્રેનેડ મંગાવેલા પણ મુંબઈ પોલીસે ઝડપી લીધા હતા.ત્યાર બાદ આ આતંકીઓએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઝૂલફિકર કાગજી હાલ પાકિસ્તાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને અબુ ઝુદાલ પોલીસની ગિરફતમાં આવી ગયેલો અને હાલ જેલમાં છે. નોંધનીય છે કે, એટીએસને એવી પણ શકા છે કે ISIના કહેવાથી અને અબ્દુલ ઝુદાલની મદદથી આરોપીએ અબ્દુલ રઝાક ગાઝીએ બેગ્લોર બ્લાસ્ટના આરોપીઓને પણ બોર્ડર ક્રોસ કરાવી હતી. જેથી આ મુદ્દે પણ એટીએસએ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આરોપીની ધરપકડ કરવા એટીએસના પીઆઈ સી. આર. જાદવની ટીમ છેલ્લા ઘણા સમયથી મદદ કરી રહી હતી.