રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (13:42 IST)

અમદાવાદના CTM BRTS કોરિડોરમાં અકસ્માત, પુરપાટ આવતા બાઈક ચાલકે મહિલાને ટક્કર મારી

અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. રોડ પર રખડતાં ઢોર અને બેફામ પણે અવરજવર કરતાં વાહનોને કારણે રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે છે. શહેરમાં આજે સવારે CTM BRTS કોરિડોરમાં એક મહિલાને પુરપાટ આવતા બાઈક ચાલકે અડફેટે લીધી હતી. જેમાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટનાને લઈ આસપાસના લોકોએ ભેગા થઈને મહિલાને સાચવી 108નો સંપર્ક કર્યો હતો અને મહિલાને 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. મળતી વિગતો પ્રમાણે ન્યુ મણિનગરમાં રહેતા શ્રદ્ધા બેન આ કોરિડોરમાંથી પસાર થતાં હતાં ત્યારે સામેથી પુરપાટ આવતા બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતાં. બાઈકની ટક્કરથી શ્રદ્ધાબેનના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાં જ ત્યાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને શ્રદ્ધાબેનને બેઠા કર્યા હતાં. ત્યાર બાદ લોકોએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને 108માં જ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. અમદાવાદમાં BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાય નહીં તે માટે ખાનગી વાહનોને પ્રવેશ અપાતો નથી. તે છતાંય શહેરના અનેક કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક પુરપાટ ઝડપે દોડી રહ્યાં છે. આવા અકસ્માત બાદ તેની જવાબદારી કોણ લેશે એ સવાલ તો ત્યાંનો ત્યાંજ ઉભો રહે છે પરંતુ તંત્ર કોરિડોરમાંથી પસાર થતાં વાહનો સામે કોઈ એક્શન લેતું નથી. આજે આ કોરિડોરમાં એક ગાય પણ જોવા મળી હતી. આ કોરિડોરમાં માત્ર બીઆરટીએસ બસ જ ચાલે છે, છતાં ઘણા વાહનો ઝડપથી નીકળી જવા માટે બીઆરટીએસ કોરિડોરમાં ઘુસી જતાં હોય છે. જેના લીધે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે.