મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2022 (15:25 IST)

હવે સોમથી શુક્ર તમામ મંત્રીઓ સચિવાલયમાં હાજર રહેશે, બહાર જવાનું થાય તો CMનું ધ્યાન દોરવું પડશે

Now all the ministers will be present in the secretariat from Monday to Friday
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. તમામ મંત્રીઓએ શપથ લઈ લીધાં છે. જ્યારે આવતીકાલે મંગળવારે વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી યોજાશે. તેની સાથે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પણ નિમણૂંક કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તમામ નવા મંત્રીઓને સૂચના આપી દીધી છે. હવે  તમામ મંત્રીઓ સોમથી શુક્ર સચિવાલયમાં હાજર રહેશે. તેઓ શનિવાર અને રવિવાર પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. તેમને અચાનક ગાંધીનગરની બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે.

હવે મંત્રીઓ એક્શન મોડમાં કામ કરશે. આવતી કાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથ વિધી યોજાશે. તે ઉપરાંત અધ્યક્ષ માટેની ચૂંટણીના આજે ફોર્મ ભરાયાં છે અને તે માટે તેમની નિમણૂંક પણ આવતીકાલે જ કરવામાં આવશે. આવતીકાલે વિધાનસભામાં એક દિવસનું ટુંકું સત્ર મળશે. વડાપ્રધાને લોકોના કામો ઝડપથી થાય તે માટે મંત્રીઓને સૂચના આપી દીધી છે. આ માટે મંત્રીઓએ એક સપ્તાહ ગાંધીનગરમાં સચિવાલય ખાતે હાજર રહેવું પડશે.  તેઓ માત્ર વિકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. જો તેમને ગાંધીનગરમાંથી અચાનક બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે. હવે કયા મંત્રી શું કરી રહ્યાં છે તેની પર પક્ષ અને સરકારની સીધી નજર હશે. લોકોના કામમાં ઢીલ હવે ચલાવી નહીં લેવાય તે આ સૂચના પરથી દેખાઈ આવે છે. રાજ્યપાલ દ્વારા  ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ અવસરે  મુખ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રીમંડળના મંત્રીઓ તેમજ રાજ્ય સરકારના સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત, વિધાનસભા સચિવાલય ખાતે  અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે  મુખ્ય પ્રધાન  ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.