ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 એપ્રિલ 2023 (17:04 IST)

આજે મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે, એ પહેલાં જ 3.51 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં ઈવેન્ટ કંપનીના માલિકને કાશ્મીરમાં ઈવેન્ટ અને G-20 સમિટનું કામ આપવાની લાલચ આપી ઠગ્યા
 
અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તે પહેલાં જ તેની સામે વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે. પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપી ઈવેન્ટ કંપનીના માલિકને 3.51 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. રિમાન્ડ દરમિયાન કિરણ પટેલની પૂછપરછ થઈ હતી. જ્યારે કિરણ સામે અમદાવાદ, બાયડ, જમ્મુ કાશ્મીરમાં પણ અલગ-અલગ કેસ નોંધાયેલા છે. કિરણ પટેલ કેસમાં દરેક પાસા પર તપાસ કરવામાં આવી રહી છે.
 
પીએમઓ કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપી
મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ  ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. કિરણ પટેલે પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપી ઈવેન્ટ કંપનીના માલિક હાર્દિક ચંદારાણાને ઈવેન્ટનું કામ આપવાનું જણાવ્યું હતું. તેણે ફોન કરીને ઈવેન્ટ કંપનીના માલિકને કહ્યું હતું કે મારે તમને મોટી ઈવેન્ટનું કામ આપવું છે. ત્યાર બાદ તેણે ફરિયાદીની ઓફિસમાં રૂબરૂ જઈને કહ્યું હતું કે, હાલમાં હું પીએમઓ કાર્યાલયમાં કામ કરી રહ્યો છું અને મને કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. હું તમને કાશ્મીરમાં મેડિકલ કોન્ફરન્સની મોટી ઈવેન્ટનું કામ અપાવીશ. જેથી ઈવેન્ટના માલિક તે માટે તૈયાર થઈ ગયા હતાં. 
 
3.51 લાખ રૂપિયા ઈવેન્ટ કંપનીના માલિક પાસે ખર્ચાવ્યા
ત્યાર બાદ કિરણ પટેલે ઈવેન્ટ કંપનીના માલિકને કહ્યું હતું કે, આઠમી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી કાશ્મીરમાં મેડિકલ કોન્ફરન્સની ઈવેન્ટના આયોજન માટે જવાનું છે. જેથી તેના કહ્યા પ્રમાણે ફરિયાદીએ શ્રીનગરની ફ્લાઈટ અને હોટેલનું બુકિંગ કરી દીધું હતું. જેનો અંદાજિત ખર્ચ 1.60 લાખ રૂપિયા થયો હતો. કિરણે ફરિયાદીને કાશ્મીરમાં ઈવેન્ટ માટેની જગ્યા પણ બતાવી હતી. ત્યાર બાદ તેણે પોતે પીએમઓનો અધિકારી હોવાનું વિઝિટિંગ કાર્ડ બતાવીને G-20 સમિટના બેનર હેઠળ હયાત હોટેલમાં 1.91 લાખનો ખર્ચ કરાવ્યો હતો. એમ કરીને તેણે કુલ 3.51 લાખ રૂપિયા ઈવેન્ટ કંપનીના માલિક પાસે ખર્ચાવ્યા હતાં. 
 
ફરીવાર ક્રાઈમ બ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ
ઈવેન્ટ કંપનીના માલિકે હાર્દિક ચંદારાણાએ કિરણ પટેલની સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે કિરણે તેમની પાસેથી ઈવેન્ટનું કામ અપાવવાના નામે 3.51 લાખનો અંદાજિત ખર્ચ કરાવ્યો છે અને પૈસા પાછા નહીં આપીને તેમની સાથે છેતરપિંડી આચરી છે. કિરણ પટેલના એક પછી એક કારનામા ખુલતા જાય છે તેમાં અનેક મોટા માથાઓની પણ સંડોવણી નજીકના સમયમાં બહાર આવે તેવી શક્યતા સિવાય રહી છે