શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (15:23 IST)

ગુજરાત ATSને પાકિસ્તાની ડ્રગ માફિયાઓએ જખૌના દરિયામાં ફેંકેલું 250 કરોડનું હેરોઈન મળ્યું

drugs
કચ્છના જખૌ વિસ્તારમાંથી પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. ત્યારે ફરી એકવાર જખૌમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. જખૌના દરિયા કાંઠેથી 250 કરોડના હેરોઈનના બિનવારસી પેકેટ મળ્યાં છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના પીશ્કાન, ગ્વાદર બંદરથી પાકિસ્તાની બોટ અલ નોમાનમાં માદક પદાર્થનો જથ્થો ભરીને ગુજરાતના દરિયામાં ડિલિવરી કરવા મોકલનાર છે.

બાતમીને આધારે ATS અને કોસ્ટગાર્ડની ટીમે પાકિસ્તાનની બોટ અલનોમાનને આંતરી લઈ તેને સર્ચ કરતાં તેમાં કોઈ પણ પ્રકારનો માદક પદાર્થ મળ્યો નહતો. તેના ખલાસીઓની વિરૂદ્ધ ATS ખાતે ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ સાત પાકિસ્તાની ખલાસીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ATSને ખલાસીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પાકિસ્તાની બોટના ખલાસીઓએ તેમની તરફ એક મોટી બોટ આવતી જણાતા તેમણે પોતાની બોટમાં રહેલો માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. દરિયામાં ફેંકી દીધેલા માદક પદાર્થોના જથ્થાની તપાસમાં રહેવા માટે ભારતીય કોસ્ટગાર્ડ તથા એસઓજી અને મરીન પોલીસ સ્ટેશનોને સૂચના આપી દેવાઈ હતી. જેથી જખૌ મરીન પોલીસે દરિયાની સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન BSF તથા જખૌ મરીન પોલીસની એક ટુકડીને બે સંદિગ્ધ થેલાઓ જખૌના દરિયાકિનારે શિયાળ ક્રિક ખાતેથી મળી આવ્યા હતાં. જે આ જથ્થો ડૂબાડી દેવાની જગ્યાએથી આશરે 40થી 45 નોટીકલ માઈલ દૂર છે. આ બાબતે ગુજરાત ATSનો સંપર્ક કરતાં તેની ખરાઈ પકડાયેલ પાકિસ્તાની ખલાસીઓ પાસે કરાવતાં તેમણે આજ મળી આવેલ જથ્થો તેઓ દ્વારા ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત ATSની એક ટીમ જખૌ ખાતે પહોંચી ગઈ હતી અને મળી આવેલા જથ્થાને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. આ પકડાયેલા જથ્થામાં કુલ 49 જેટલા પેકેટમાં આશરે 250 કરોડના 50 કિલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો. આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા અગાઉ પકડાયેલ પાકિસ્તાની બોટ અલ નોમાન મારફતે ભારતમાં ઘૂસાડવા માટે મોકલ્યો હતો.