સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (10:34 IST)

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા પદાર્થો ઘૂસાડવાનું મુખ્ય સેન્ટર, 5 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો કિનારો ગુનાહિત પ્રવૃત્તિ માટે વર્ષોથી પંકાયેલો છે, બોમ્બ બ્લાસ્ટનું RDX હોય, ડ્રગ્સનો કાળો કારોબાર હોય કે પછી આતંકવાદી પ્રવૃત્તિ હોય. ભારતમાં આવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવામાં સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયા કિનારો અનેક વખત એપી સેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગેટવે ઓફ ગુજરાત બની ગયો છે. આતંકવાદી, RDX, હથિયારો અને ડ્રગ્સની ઘૂષણખોરીનો માર્ગ અહીં મોકળો છે. ગઇકાલે જામખંભાળિયાના દરિયાકિનારેથી 350 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાની સુરક્ષા ઉપર મોટો સવાલ ઉભો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ આઠ મોટા કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું તેના પરથી મળે છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન દેશોમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે. ભારતથી સામાન એક્સપોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકિંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.સૌરાષ્ટ્રનો દરિયાકિનારો મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ, હેરોઈન, ગાંજો, ચરસ અને હથિયારોની તસ્કરીનું એપી સેન્ટર ગણાવી શકાય તેમ છે. કારણ કે, દેશમાં આંતકવાદી હુમલાઓ તથા ચરસ-ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાત ATS દ્વારા દ્વારકાના દરિયા કિનારેથી હાલમાં જ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની કિંમત આશરે 15 કરોડ હતી. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાના દુઃખાવા સમાન ગણાવી શકાય તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં હથિયારો અને ડ્રગ્સને પ્રવેશ કરાવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગેટવે ઓફ ગુજરાતના નામે જાણીતો છે.