1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (11:41 IST)

વિદેશમાં ફસાયેલા રૃપિયા કઢાવવા જતા લાખો ગુમાવ્યા, અમદાવાદમાં મહિલા તાંત્રિકે મહિલાને છેતરી

આજના આધુનિક યુગમાં શિક્ષીત લોકો પણ અંધશ્રધ્ધા રાખીને પોતાની સમસ્યાઓના સમાધાન માટે તાંત્રિકો પાસે દોડી જાય છે. તાંત્રિકો દ્રારા છેતરપિંડીના અનેક બનાવો બનવા છતા લોકો તેમની પર આંધળો વિશ્વાસ મુકી અંતે છેતરાતા હોય છે. આ પ્રકારના એક બનાવમાં  પ્રહલાદનગરની એક મહિલાએ વ્યવસાયમાં નુકશાન જતા પોતાના ડ્રાઈવરની તાંત્રિક માતાનો સંપર્ક સાધ્યો હતો. આ મહિલાએ તેના પરિવાર સાથે મળીને મહિલા પાસેથી વિધી માટે રૃ.૧૨,૫૧,૦૦૦ પડાવીને છેતરપિંડી કરી હતી. આનંદનગર પોલીસે આ મહિલા સહિત છ જણા સામે ગુનો નોંધીને તપાસ આદરી છે. આ બનાવની વિગત મુજબ પ્રહલાદનગરમાં પોતાના પરિવાર સાથે રહેતા એકતાબહેન સુહરીદ સારાભાઈ (૩૯) ઈન્ફિનીયમ માઈન્સ એન્ડ મિનરલ્સ પ્રા.લી અને એનજી હોલ્ડિંગ્સ નામની બે કંપની ધરાવે છે. તે અને વિદેશમાં રેતી અને પેટ્રોલિયમનો ધંધો કરે છે. તેમને ત્યાં ડ્રાઈવર તરીકે ચાણક્યપુરીમાં રહેતો સુરેશ દેસાઈ કામ કરે છે. જે પરિવારના સભ્યો અને વ્યવસાયથી પરિચીત હતો. એકતાબહેનને વિદેશમાં નુકશાન થયું હોવાથી ડ્રાયવર સુરેશને વાત કરી હતી. સુરેશે પોતાની માતા ચંપાબહેનને માતાજી આવે છે અને તમારી તમામ તકલીફો દુર તઈ જશે, એવો ભરોસો આપી એકતાબહેનને વિશ્વાસમાં લીધા હતા. તેણે ચાંત્રિક વિધી માટે ૧૨.૫૧ લાખનો ખર્ચ થશે, એમ તેમને કહ્યું હતું. બાદમાં સુરેશ વિધી માટે એકતાબહેનને તેમના ઘરે લઈ ગયો હતો. જેમાં તેમણે ચંપાબહેન અને તેમના પરિવારના સભ્યોને ચેક અને રોકડેથી આ રકમ આપી હતી. ચંપાબહેને તેમને ત્રણ દિવસ બાદ ફરીથી બોલાવતા એકતાબહેન તેમના ઘરે ગયા હતા. જ્યાં ચંપાબહેને ધુણીને વિદેશમાં ઘયેલી ખોટ અને બે મહિનામાં થયેલા તમામ નુકશાનની વાતો કરી હતી. આ તમામ વાતો સાચી નીકળતા એકતાબહેનને તેમની પર પાકો ભરોસો બેસી ગયો હતો અને દસેક દિવસ દરરોજ વિધી માટે તેમના ઘરે ગયા હતા.જ્યાં ચંપાબહેનના પરિવારજનો પણ હાજર રહેતા હતા. બીજીતરફ ડ્રાયવર સુરેશે અચાનક નોકરી પર આવવાનું બંધ કરી દેતા એકતાબહેને તેનો સંપર્ક કર્યો હતો. જોકે સુરેશ કોઈને કોઈ બહાના બતાવી વાતને ચાળતો હતો. અંતે એકતાબહેને ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ચંપાબહેનને ફોન કરતા તેમણે પૈસાની માંગણી કરી તો તમારા છોકરા સલામત નહી રહે એવી ધમકી આપતા એકતાબહેન ગભરાઈ ગયા હતા. અંતે તેમણે ઘાટલોડીયામાં ચાણક્યપુરી સ્થિત જનતાનગરમાં રહેતા સુરેશ દેસાઈ તેની માતા ચંપાબહેન દેસાઈ, હીરાભાઈ દેસાઈ, પરાગ દેસાઈ અને ચેહર દેસાઈ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.