1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (17:52 IST)

અમદાવાદનો અતિ દુર્લભ કિસ્સો: તબીબોએ 3.5 વર્ષની મિતવાના પેટમાંથી 4.5 કિલોની ગાંઠ કાઢી

તાજેતરમાં જ અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે 3.5 વર્ષની મિતવાના પેટમાંથી 4.5 કિલો વજનની ગાંઠ કાઢવામાં આવી. ઇન્ટ્રા એબ્ડોમિનલ માસ વિથ સિસ્ટિક ડિસ્ટેન્શનનો અતિ દુર્લભ કિસ્સો એક લાખમાં માંડ એક વ્યક્તિમાં જોવા મળતો હોય છે. જેનું તબીબોએ ઓપરેશન કરી માસૂમ બાળકીને પાછી હસતી રમતી કરી છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રસિકભાઈ લખતરીયા સ્થાનિક દૂધની ડેરીમાં નોકરી કરે છે અને તેમના પત્ની દક્ષાબહેન ગૃહિણી છે. આ ગરીબ દંપતીની 3.5 વર્ષની દિકરી મિતવાની વર્ષ 2019માં ખાનગી હોસ્પિટલમાં એબ્ડોમિનલ ટ્યુબરક્યુલોસિસ (પેટના ટીબી)ની સારવાર થઈ હતી. પરંતુ ડિસ્ટેન્શન (અંદરના દબાણથી ફૂલવું તે, ઉપસાટ) ના કારણે પેટ સતત ફૂલતું જતું હતું. બાળકીને અવારનવાર પેટમાં દુખાવો પણ થતો હતો. જાન્યુઆરી 2021માં મિતવાનો વધુ એક સીટી સ્કેન કરવામાં આવ્યો જેમાં ઇન્ટ્રાપેરિટોનિઅલ લિમ્ફૅન્જિઓમા જોવા મળ્યું. હવે મિતવાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઈ.  

22 જાન્યુઆરી, 2021ના દિવસે મિતવાને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરાઈ. તમામ પ્રાથમિક ચકાસણીઓ કરવામાં આવી અને પેટના સીટી સ્કેનનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો. તબીબોએ પછીના જ દિવસે મિતવાનું ઑપરેશન કરવાનો નિર્ણય કર્યો. પીડિયાટ્રિક સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી રામજીની દેખરેખ નીચે સર્જરી કરવામાં આવી, જ્યારે ડો. ભાવના રાવલના વડપણ હેઠળ એનેસ્થેસિયા ટીમ ઓપરેશનમાં ખડે પગે રહી હતી.

પેટના ભાગે ઓમેન્ટમ (પેટ અને અન્ય અવયવોને આવરી લેતા જઠર પરનું ચામડીનું પાતળું પડ પેરિટોનિયમ કહેવાય છે અને પેરિટોનિયમના પાતળા પડોને ઓમેન્ટમ કહેવાય છે)માં ઘણું મોટું કહી શકાય એવું ઇન્ટ્રાએબ્ડોમિનલ સિસ્ટિક લેઝન હતું, લગભગ આખા પેટને આવરી લે એવડું મોટું હતું. બાકીનું પેટ સામાન્ય હતું. આમાં જે ગાંઠ (શરીરમાં પ્રવાહી સ્રાવ, રસીથી ભરેલી કોથળી) હતી તેનું વજન આશરે 4.5 લિટર હતું. તબીબોએ મિતવાના શરીરમાંથી આ ગાંઠને આખી કાઢી નાખી.  

ઓપરેશન પછી મિતવા ઝડપભેર સામાન્ય જીવનમાં પરત ફરી. ઑપરેશન પછીના બીજા દિવસે તેણે મોઢેથી ખોરાક લેવાનો શરૂ કર્યો. તેનું પેટ પુન: સામાન્ય આકારમાં આવ્યું. મિતવાના શરીરને જે ગાંઠનું વજન શક્તિહીન અને નિર્બળ બનાવી રહ્યું હતું તે ગાંઠ હવે નીકળી જતા મિતવાનું વજન 14.5 કિલોથી ઘટીને 10.5 કિલો થઈ ગયું. શરીર હળવું થઈ જવાના કારણે દાખલ થયા પછી પહેલી જ વખત મિતવાના મુખ પર મુસ્કાન રેલાઈ!  

કહેવાય છે કે એબ્ડોમિનલ લિમ્ફેન્જિયોમા એક દુર્લભ સમસ્યા છે જે એક લાખ લોકો પૈકી માંડ એકાદ વ્યક્તિમાં જોવા મળે છે. એબ્ડોમિનલ લિમ્ફેન્જિયોમા એક દુર્લભ બિનાઇન ટ્યુમર છે જે બાળકોમાં થાય છે. સામાન્ય રીતે આ સમસ્યાની દુર્લભતા, વિવિધ પ્રકારના ગેરમાર્ગે દોરનારા ક્લિનિકલ પ્રેઝન્ટેન્શન્સ તથા અન્ય ઇન્ટ્રા-એબ્ડોમિનલ ગાંઠ    તરીકે ભળતું નિદાન થઈ જવા જેવી સમસ્યાઓના કારણે એબ્ડોમિનલ લિમ્ફૅન્જિયોમાનું ઓપરેશન પૂર્વે નિદાન થવું મુશ્કેલ હોય છે. આ ગાંઠના કોમ્પ્લિકેશન્સ નિવારવા અને તેના પુનઃ સર્જાવાના જોખમને નિવારવા માટે તેને સર્જરી કરીને સંપૂર્ણપણે કાઢી નાખવી એ જ સૌથી ઉત્તમ સારવારનો વિકલ્પ છે.