શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (12:43 IST)

અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં હાથીએ કર્મચારીની છાતી પર પગ મુક્યો

સામાન્ય રીતે શહેરોમાં ગાય કે બળદ જેવા પ્રાણીઓના કારણે રાહદારીઓના મોત થતા હોય એવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. પરંતુ અમદાવાદમાં એક હાથીના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલા જગન્નાથ મંદિરના હાથીખાનામાં માદા હાથીએ મંદિરના કર્મચારીની છાતી ઉપર પગ મુકી દીધો હતો. જેના પગલે 60 વર્ષીય કર્મચારીનું ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ગુરૂવારે બપોરે આશરે 1:30 વાગ્યાના સુમારે જગન્નાથ મંદિરમાં ટ્રેક્ટર ચાલક તરીકે ફરજ બજાવતા 60 વર્ષીય મહેન્દ્રભાઈ શાહ મંદિરની સામે આવેલા હાથીખાનામાં કામ કરી રહ્યા હતા. ત્યારે એક માદા હાથીએ અચાનક ગુસ્સામાં આવી મહેન્દ્રભાઈની છાતી પર પગ મૂકી દેતા હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બચાવ માટે દોડી આવેલા મહાવતે હાથીના પગ નીચેથી મહેન્દ્રભાઈને કાઢી હાથી પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈને સારવાર માટે 108 દ્વારા વી એસ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાનો સંપર્ક સાંધતા તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે હુમલો કરનાર હાથી મંદિરનો નથી તેના માલિક જગદીશદાસજી છે. હાથીના હુમલા અંગે વાઈલ્ડલાઈફ એક્સપર્ટે જણાવ્યું કે, જો નર હાથી આ રીતનું કૃત્ય કરે તો તેણે મસ્તીમાં કર્યું હોઈ શકે છે પરંતુ માદા હાથી આવું ત્યારે જ કરે છે જ્યારે તેને બરાબર ખોરાક-પાણી ન મળ્યા હોય, ખૂબ ગરમીના કારણે અકળાઈ ગઈ હોય અથવાતો તેને કોઈએ હેરાન કરી હોઈ.