મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2017 (11:53 IST)

ખેડૂતોના દેવા માફીનું આંદોલન, અલ્પેશ ઠાકોરે રસ્તે દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો, અમદાવાદમાં વેપારીઓની ઉઘાડી લૂંટ

દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં દેખાવો કરવામાં આવ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોએ એસજી પર દૂધ ઢોળી GSTનો વિરોધ કર્યો હતો. એસજી હાઇવે પર આવેલા ઝાયડસ સર્કલ પાસે રસ્તા પર જ દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં પોલીસે અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત શહેરોમાં GST સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારી હડતાળ કરી વિરોધ કરી રહ્યાં છે.

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે દૂધ પર પ્રતિબંધ મૂક્યો છે. જેની અસર આવતીકાલથી જોવા મળશે. આજે આઠથી દસ હજાર ગામડાઓએ દૂધ આપ્યું નથી. ઉપરાંત અલ્પેશ ઠાકોરે ડેરીના સંચાલકોને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, દૂધ બંધ નહીં કરે તો આજે રાતથી ડેરીઓનો ધેરાવ કરાશે. શંકર ચૌધરી, જેઠા ભરવાડ સહિતના ડેરીઓના સંચાલકો પર અલ્પેશે આક્ષેપ મૂક્યો હતો કે, આ રાજકીય સંચાલકો ખેડૂતોનું દેવું માફ થાય તેવું ઇચ્છતા નથી.   વિવિધ સંગઠનો દ્વારા આગામી ૫ અને ૬ જૂનના રોજ ગુજરાતમાં દૂધ રોકો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

દૂધ રોકો આંદોલનની વાત વહેતી થતાં તેની સીધી અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. શહેરના કેટલાક વિસ્તારમાં દૂધ પાર્લરો ઉપર લોકોની પડાપડીના દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને લઈ વેપારીઓ દ્વારા દૂધનો ભાવ વધારી દીધો હતો. રૂ.૪૨ના ભાવ એક લીટર વેચાતુ દૂધ રૂ.૪૮ના ભાવે વેચાયુ હતુ. સ્ટોક ખાલી થઈ જતાં છુટક દૂધનું પણ ધુમ વેચાણ થયું હતું.  ગુજરાતમા દેવા માફી માટે ખુદ ખેડૂતો મેદાનમાં ઊતર્યા છે, જેને પગલે સ્વૈચ્છિક સંગઠન ગુજરાત ખેડૂત સમાજ સહિત વિવિધ સંગઠન તેમજ રાજકીય પક્ષે પણ આંદોલનનું એલાન કર્યું છે. પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની રાજ્ય સરકારોએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે. પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતાં આંદોલન ઉગ્ર બનાવવાનું ખેડૂતોએ નક્કી કર્યું છે, જે અંતર્ગત આગામી ૫ અને ૬ જુલાઈના રોજ ગુજરાતમાં દૂધ રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂત આગેવાનોએ રાજ્યના ખેડૂતોને વિનંતી કરી છે કે, આ દિવસોએ ડેરી દૂધ ભરવા ના જતાં. જોકે આ બે દિવસ દરમિયાન ડેરીઓમાં દૂધ નહી આવે તેવી પવન વેગે વાત વહેતી થતાં મંગળવારે રાત્રે અમદાવાદ શહેરના નાગરીકો દૂધ ખરીદી માટે પાર્લરો પર ઉમટી પડયાં હતાં. જેનો ફાયદો ઉઠાવતા વેપારીઓએ એક લીટરે સીધો ૬ રૂપિયાનો ભાવ વધારી દધો હતો. લોકોએ જરૂરિયાત કરતાં પણ વધારે દૂધની ખરીદી કર્યાનું જાણવા મળ્યું છે.