રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જુલાઈ 2021 (08:08 IST)

રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા 12 જુલાઈના રોજ પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ વચ્ચે નીકળવાની છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રથયાત્રા રૂટ ઉપરાંત અન્ય વિસ્તારમાં કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના 10 પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈ ઘરની બહાર નીકળશે તો તેની વિરૂધ્ધ એપેડેમિક એક્ટ, જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટાર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરાશે. દરમિયાન નો ડ્રોન ફ્લાય ઝોન, કર્ફ્યૂ હેઠળના વિસ્તારમાં વાહન પ્રતિબંધિત કરાયા છે અને કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે તેના પણ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

12 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ગાયકવાડ હવેલી, ખાડિયા, દરિયાપુર, શહેર કોટડા, શાહપુર, કારંજ, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સંતોષીનગર પોલીસચોકી, કાગડાપીઠ વિસ્તારમાં બહેરામપુરા અને એસટી ચોકી વિસ્તારમાં તેમજ માધવપુરામાં ઈદગાહ ચોકી, પ્રેમ દરવાજા અને શાહપુર દરવાજા બહાર ચોકી વિસ્તારમાં ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમા કર્ફ્યૂ રહેશે. જ્યાં આ સમય દરમ્યાન કોઈ વ્યક્તિ બહાર નીકળી નહીં શકે. માત્ર પોલીસ, ઇમરજન્સી સેવા, કોર્ટ કચેરીના કામે આવતા કર્મચારીઓ, રેલવે સ્ટેશનમાં અને એરપોર્ટ પર જવાવાળા લોકોએ પણ ટિકિટ બતાવવાની રહેશે.

રાજ્ય સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ, રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 22 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે. અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે.

ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે. ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરૂપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે.