શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 31 ડિસેમ્બર 2023 (06:31 IST)

ગુજરાતમાં સ્વાસ્થ્ય માટે દારૂની પરમિટ કોને ?દારૂની પરમિટ માટેનું ફૉર્મ ક્યાંથી મળે? પરમિટમાં કેટલો દારૂ મળે?

liquor
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં 'કેટલીક છૂટ' અપાઈ છે. આ નિર્ણય ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઇન ઍૅન્ડ ડાઇન' સુવિધા ઉપલબ્ધ કરાવવા લેવાયો છે.
 
આ નિર્ણય બાદ ગુજરાતમાં ફરી એક વાર દારૂબંધી અને દારૂ અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે.
 
ગુજરાતમાં દારૂબંધી છે, પણ સમયાંતરે ગુજરાતમાંથી દારૂ મળી આવતો હોવાના અહેવાલ આવતા રહે છે. ગુજરાત વિધાનસભામાં પણ રાજ્યમાં પકડાયેલા દારૂના જથ્થાના સત્તાવાર આંકડા રજૂ કરવામાં આવે છે.
 
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ કેટલાક નિયમોમાં જે તે વ્યક્તિને દારૂ પીવાની પરમિટ પણ આપવામાં આવે છે. જોકે દરેક વ્યક્તિને આ છૂટ મળતી નથી, પણ કેટલાક કિસ્સામાં નિયમોને આધારે છૂટ મળે છે.
 
આ અહેવાલમાં જાણીએ કે સ્વાસ્થ્યના કિસ્સામાં કોને દારૂની પરમિટ મળી શકે છે, કેવી રીતે અરજી કરવાની હોય છે.
 
ગુજરાત રાજ્યમાં વસતા લોકો માટે (મુંબઈ વિદેશી દારૂ નિયમ, 1953ના નિયમ 64 હેઠળ) આરોગ્ય સંદર્ભે દારૂની પરમિટની જોગવાઈ કરેલી છે.
 
પરમિટ મેળવનાર વ્યક્તિ પોતાના આરોગ્ય માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી શકે અને તેનું સેવન પણ કરી શકે છે.
 
ગુજરાતમાં વસતી વ્યક્તિ માટે પરમિટ માટેના કેટલાક નિયમો
અરજદાર વ્યક્તિની ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.
દારૂની પરમિટ લેનાર વ્યક્તિની માસિક આવક રૂપિયા 25,000 કરતાં વધુ હોવી જોઈએ.
 
દારૂની પરમિટ માટેનું ફૉર્મ ક્યાંથી મળે?
 
 
દારૂની પરમિટ માટેનું ફૉર્મ (વિનામૂલ્યે) જે તે જિલ્લાની કચેરીમાંથી મળી શકશે.
 
પ્રોસેસ ફી (રૂપિયા 2000) અને આરોગ્ય તપાસણીની ફી (રૂપિયા 2000) નક્કી કરેલી છે.
 
પરમિટ મળ્યા બાદ વાર્ષિક ફી 2000 રૂપિયા પણ ભરવાના રહેશે.
 
દારૂની પરમિટ માટે અરજી કેવી રીતે કરવી?
 
જે વ્યક્તિએ દારૂની પરમિટ મેળવવી હોય એણે નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે.
 
અરજદારે અરજીની સાથે પોતાના પરિવારિક તબીબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
 
તેમજ પોતાની ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો અને આવક દાખલો આપવાનો રહેશે.
 
આ સિવાય અરજદારને જે કંઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય એ માટેની સારવાર, તેના પુરાવા, રિપોર્ટ વગેરે રજૂ કરવાના રહેશે.
 
 
પરમિટમાં કેટલો દારૂ મળે?
નશાબંધી અને આબકારી વિભાગની માહિતી અનુસાર, આ પ્રમાણે અરજી કર્યા બાદ અરજીનો એક માસમાં નિકાલ કરી દેવામાં આવે છે.
 
પરમિટ મળ્યા બાદ પછી કેટલા પ્રમાણમાં દારૂ મળે એની પણ વિગતો આપવામાં આવેલી છે.
 
ઉંમરમાં 40 વર્ષથી વધુ અને 50 વર્ષ સુધીમાં દર મહિને 3 યુનિટ દારૂ મળે છે.
50 વર્ષથી વધુ અને 65 વર્ષ સુધીની ઉંમરમાં 4 યુનિટ.
65 વર્ષથી વધુ વયના અરજદારને 5 યુનિટ દારૂ મળે છે.
પરમિટની મુદત, નિયમોને અધીન એરિયા મેડિકલ બોર્ડ દ્વારા કરાયેલી ભલામણ સુધી રહે છે.
 
 
સંરક્ષણ દળના નિવૃત્ત કર્મચારી સિવાયની વ્યક્તિ માટે
એક યુનિટ એટલે કે 750 મિલીની સ્પિરિટની એક બૉટલ અથવા 750 મિલીની વાઇનની ત્રણ બૉટલ અથવા ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 2 ટકા કરતાં વધુ હોય તેવા ફૉર્મેન્‍ટેડ લિકરની 650 મિલીની 10 કે 500 મિલીની 13 બૉટલ કે 330 મિલીની 20 બૉટલ અથવા ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 2 ટકા કરતાં વધુ ન હોય તેવા ફૉર્મેન્‍ટેડ લિકરની 650 મિલીની 30 કે 750 મિલીની 27 બૉટલ મળી શકે છે.
 
સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે
 
એક યુનિટ એટલે કે 750 મિલીની સ્પિરિટની એક બૉટલ અથવા 750 મિલીની વાઇનની બે બોટલ અથવા 375 મિલીની લિકરની બે બૉટલ અથવા બિયરની 4 બૉટલ મળી શકે છે.
 
ગુજરાત બહારની વ્યક્તિ માટે પરમિટના નિયમો શું છે?
 
તો નિયમ 64-બી હેઠળ ગુજરાતમાં વસવાટ માટે આવતી બહારની વ્યક્તિ માટે (સ્વાસ્થ્ય સંબંધિત) પણ અલગ રીતે પરમિટની જોગવાઈ કરેલી છે.
 
જોકે એમાં શરત એવી છે કે આ વ્યક્તિએ ગુજરાતથી બહારના કોઈ રાજ્ય (જ્યાં દારૂબંધી ન હોય)માં સતત 10 વર્ષ કરતા વધુ વસવાટ કરેલો હોવો જોઈએ.
 
તો એવી જ રીતે ભારત બહારના કોઈ દેશ (જ્યાં દારૂબંધી ન હોય)માં સતત પાંચ વર્ષ વસવાટ કરેલો હોવો જોઈએ.
 
આવી વ્યક્તિને સ્વાસ્થ્યની જાળવણી માટે પરમિટ મળી શકે છે. તેમણે ગુજરાતમાં આવ્યાના 24 મહિનામાં અરજી કરવાની રહે છે.
 
આવા લોકો માટે પરમિટની પ્રોસેસ ફી 2000 રૂપિયા રાખવામાં આવી છે.
 
આવા અરજદારે પણ ઉપર પ્રમાણે ફૉર્મ સહિતની વિગતો આપવાના રહેશે.
 
આ પરમિટની વાર્ષિક ફી 2000 રૂપિયા છે. આ પરમિટમાં દર મહિને મહત્તમ બે યુનિટ દારૂ મળે છે.
સશસ્ત્ર દળના નિવૃત્ત કર્મચારીઓ માટે
નિયમ 64-સી હેઠળ ગુજરાતમાં વસતા સશસ્ત્ર દળોના સેવાનિવૃત્ત થયેલા કર્મચારીઓ આરોગ્યની જાળવણી માટે દારૂની પરમિટ મેળવી શકે છે.
 
તેમના માટે પણ પ્રોસેસિંગ ફી 2000 રૂપિયા રાખવામાં આવી છે.
 
તેમજ વાર્ષિક ફી 500 રૂપિયા રાખેલી છે.
 
આવા અરજદારે અરજી સાથે ડીસ્ચાર્જ બુક/સર્ટિફિકેટ, એક્સ-સર્વિસમૅનનું ઓળખપત્ર, અગાઉ આવી પરમિટ મેળવી હોય તો 'નો ઑબ્જેકશન સર્ટિફિકેટ' અથવા પરમિટ પરત જમા કરાવ્યાનો પુરાવો આપવાનો રહેશે.
 
આ પરમિટ વધુમાં વધુ ત્રણ વર્ષ માટેની હોય છે અને પછી ફરીથી પ્રક્રિયા કરવાની રહે છે.
 
નિવૃત્ત કર્મચારીઓને મળતો વિદેશી દારૂનો જથ્થો ડીફેન્સ ઑથૉરિટીએ નક્કી કરેલા યુનિટનો રહેશે.
 
ઉલ્લેખનીય છે કે વિવિધ કિસ્સામાં પરમિટ મળ્યા બાદ મંજૂર કરેલા વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ માન્ય લાઇસન્સદાર વેન્ડર્સ પાસેથી ખરીદવાનો રહેશે.
 
પરમિટની શરતોનું જો પાલન ન કરવામાં આવે તો તે રદ થઈ શકે છે અથવા મોકૂફ પણ રખાઈ શકે છે.