મંગળવાર, 27 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2019 (14:13 IST)

કોંગ્રેસની અરજી બાદ અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટે નોટીસ ફટકારી

alpesh news
કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં ધારાસભ્ય પદે ચાલુ રહેવા મામલે કોંગ્રેસની રજુઆતના પગલે ગુજરાત હાઇકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી છે. અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટીએ કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી લીધી છે. આ મામલે હાઇકોર્ટે વિધાનસભાના સ્પીકર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ પાઠવી છે. આ અંગેની વધુ સુનાવણી આગામી 27મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સતત ઉપેક્ષા કરી રહી હોવાના આક્ષેપ બાદ અલ્પેશ ઠાકોરે આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું.  અલ્પેશે જણાવ્યું હતુ કે, "ચૂંટણી વખતે કોંગ્રેસને મારા સમાજના મત જોઈતા હતા, ત્યારે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ રાજકીય નફા-નુકસાનની ગણતકરી કરી રહી છે. મેં વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્ય પદ લેવા માટે કોંગ્રેસ હવાતિયા મારે છે. મજબૂત માણસને હેરાન કરીને કોંગ્રેસમાંથી કાઢવામાં આવી રહ્યા છે. નબળા લોકો મજબૂત અને પ્રજાના પ્રતિનિધિઓને સહન નથી શકતા. આવા નબળા લોકો બંધ બારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડયંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે. મારી સામે કરવામાં આવેલા ષડયંત્રનો હું એવો જવાબ આપીશ કે કોંગ્રેસને કળ નહીં વળે. અંદર અંદરની લડાઈને કારણે કોંગ્રેસ ગુજરાતમાં 25 વર્ષથી સત્તાની બહાર છે. ઠાકોર સમાજ અને ઓબીસીનો દીકરો હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહીને રાધનપુરનો વિકાસ કરીશ. પાંચ વર્ષ બાદ ફરીથી ત્યાં જ ચૂંટણી લડીશ."