મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 24 જૂન 2019 (12:40 IST)

આગામી ઠાકોર સેનાની મિટીંગ બાદ અલ્પેશ ઠાકોર હવે ભાજપનો ખેસ પહેરી લેશે

લોકસભાની ચૂંટણીના ખરા સમયે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હતી અને બનાસકાંઠા બેઠક અપક્ષ ઉમેદવાર ઊભો રાખ્યો હતો. આ ગદ્દારી બાદ હવે અલ્પેશ ઠાકોરે ૨૯-૩૦ જૂને ઠાકોર સેનાની બેઠક બોલાવી છે. આ બેઠકને પગલે રાજકીય વર્તુળોમાં ફરી વાર હવા ફેલાઈ છે કે, ભાજપમાં જવા અંગે આ મિટિંગમાં ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તો બીજી તરફ ઠાકોર સેનાના સત્તાવાર સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, સંગઠનને મજબૂત કરવા માટે મિટિંગ બોલાવાઈ છે. રાજ્યસ્તરની મિટિંગ એ પછી તાલુકા અને ગ્રામ સમિતિની મિટિંગો તબક્કાવાર યોજાવાની છે. સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવું કે નહિ તે માટે 29 અને 30 જૂને સાથીદારો સાથે મિટિંગનું આયોજન કર્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી ત્યારથી ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે. લોકસભાની ચૂંટણી વખતે અલ્પેશ ભાજપમાં જોડાવા માગતો હતો તેમ કહેતા સૂત્રો કહે છે કે, ભાજપે ચૂંટણી સમયે અલ્પેશને લેવાનો ઈન્કાર કર્યો હતો, કારણ કે અલ્પેશના ભાષણના કારણે ગુજરાતમાં પરપ્રાંતીયો ઉપર હિંસા ફાટી નીકળી હતી, રાજ્ય બહાર અલ્પેશ સામે વિરોધ વંટોળ હતો. આ સંજોગોમાં ભાજપે ચૂંટણીમાં નુકસાનના ડરે અલ્પેશને પ્રવેશ કરાવ્યો ન હતો