શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (11:57 IST)

અંબાજીમાં ૬૧ ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ ૧૪૦ કિલોગ્રામ સોનાનો ઉપયોગ થયો

ભક્તિ, શક્તિ, પ્રકૃત્તિનું ત્રિવેણી સંગમ ધરાવતા શક્તિપીઠ અંબાજી મંદિરનું શિખર ૧૫ ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ સુવર્ણમય બની જશે. અંબાજી મંદિરના ૬૧ ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ ૧૪૦ કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલબત્ત, આ સુવર્ણ શિખરનું લોકાર્પણ ક્યારે કરવું તેના અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦-૧૧માં જગપ્રસિદ્ધ અંબાજી મંદિરના શિખરને સુવર્ણથી મઢવાની જાહેરાત કરવામાં આવતા જ દેશ-વિદેશમાં વસતા માઇભક્તોએ સોનાના દાનનો ધોધ વહેડાવ્યો હતો. કુલ ૧૦૮ ફિટની ઊંચાઇ ધરાવતા અંબાજી મંદિરના શિખરમાંથી ૬૧ ફિટને સુવર્ણથી મઢવામાં આવ્યું છે. ૨૦૧૨ના વર્ષમાં મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા આવતા દાન માટે અલગથી બેંક એકાઉન્ટ પણ શરૃ કરવામાં આવ્યું હતું. અગાઉ ઓગસ્ટ મહિનાના પ્રારંભે જ મંદિરના શિખરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવાનું આયોજન હતું. પરંતુ વરસાદને પગલે તેમાં સાધારણ વિલંબ સર્જાયો છે. અંબાજી મંદિરમાં ૩૫૮ સુવર્ણ કળશ પણ મૂકવામાં આવ્યા છે. ભવિષ્યમાં આબોહવાની અસરને પગલે સુવર્ણનો ચળકાટ ઝાંખો પડે નહીં માટે પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાંબાના પતરા પર દેશી પારા પદ્ધતિથી સોનું શિખરની મૂળ ડિઝાઇન મુજબ એમ્બોઝ કરી તેના પર દેશી પારા પદ્ધતિથી સુવર્ણ મઢીને ફિટિંગ કરવામાં આવે છે.