શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2024 (11:33 IST)

અમદાવાદમાં AMC દ્વારા પ્રિ-સ્કૂલોના સીલ ખોલી આપવા અંગે SOP નક્કી કરવામાં આવી

અમદાવાદમાં AMC દ્વારા પ્રિ-સ્કૂલોના સીલ ખોલી આપવા અંગે SOP નક્કી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપે તેવી 150 પ્રિ-સ્કૂલોના સીલ ખોલાશે. તથા બાંધકામ 3 માસમાં રેગ્યુલરાઇઝ કરાવવું પડશે તથા ઘટના માટે સંચાલકો જવાબદાર રહેશે. તેમજ 30 દિવસમાં ફરજિયાતપણે ફાયર NOC મેળવી લેવું પડશે, નહીં તો કાર્યવાહી થશે.

AMC દ્વારા શહેરમાં 150 જેટલી પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પ્રિ-સ્કૂલના સંચાલકોની રજુઆતો કરવાને પગલે હવે 150 પ્રિસ્કૂલના સીલ ખોલી આપવાનો નિર્ણય લેવાયો છે. આ હેતુસર સંચાલકોએ રૂ.300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી આપવાની રહેશે. ફાયર NOC મેળવવા માટે 30 દિવસનો સમય અપાશે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. જ્યારે બાંધકામ નિયમિત ન હોય તો બાંધકામ નિયમિત કરાવવા માટે 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.

હવે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ મારવામાં આવેલી સ્કૂલો અને પ્રિ-સ્કૂલોને ખોલી આપવામાં આવશે.AMCના તમામ ઝોન ખાતે અરજદાર દ્વારા રૂ.300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાંહેધરી પત્ર સાથે સીલ ખોલી આપવાની લેખિત અરજી સાથે રજૂઆત, વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ અથવા ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ મેળવવા ફાયર વિભાગે કરવામાં આવેલ અરજીની નકલ રજૂ કરેલ હોય ત્યારે તે અરજી ધ્યાને લેવામાં આવશે. અરજી આવ્યા બાદ સીલ ખોલવા અંગે ઝોનલ કચેરી ખાતેથી DYMCને રિપોર્ટ સુપરત કરીને મંજૂરી મેળવવાની રહેશે તેમજ સીલ ખોલવા માટે જે ચાર્જ નક્કી કરવામાં આવે તે મુજબ વસૂલવાનો રહેશે. સીલ ખોલવા અંગે અરજદાર દ્વારા આપેલી બાંહેધરી મુજબ વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરી શકાશે નહિ.