મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (11:19 IST)

રાહુલ ગાંધી બાદ ખુદ અમિત શાહ આદિવાસીઓને મનાવવા દક્ષિણ ગુજરાતના પ્રવાસે નિકળ્યા

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં આદિવાસીઓને હજુપણ જમીન માલિકીનો હક મળતો નથી તેવો પ્રશ્ન ઉભો કરીને આદિવાસીઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત સરકારે આદિવાસીઓને જમીનનો માલિકી હક આપતો કાયદો ‘પેસા’ પ્રસાર કર્યા પછી ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતોનું ધ્રુવિકરણ કરવા માટે ‘આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા’ કાઢી હતી. આ યાત્રાના સમાપનમાં અમિત શાહ હાજર રહ્યા હતા.  આવા સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી વખતે વધુ એકવખત અમિત શાહે યાત્રા દરમિયાન રહી જનાર કચાશને દૂર કરવા માટે સંગઠનની બેઠકોનો દોર કરીને વર્ષ 2012માં મેળવેલી 27 પૈકીની 10 બેઠકો કરતા વધારે બેઠકો મેળવવા માટે મંત્રણાઓનો દોર હાથમાં લીધો છે. રાજકીયરીતે કહીંએ તો કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે સીધા સંગઠનના નેતાઓ સાથે ચૂંટણી વ્યુહને અંતિમ સ્વરૂપ આપવાનો વ્યુહ ઘડયો હોવાનો સુત્રોનું કહેવું છે. રાજયની 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તાર પ્રભાવિત 27 બેઠકો પૈકી 10 બેઠકો ભાજપને ફાળે અને 16 બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષના ભાજપના શાસન પછી પણ હજુ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાનું 2012ના પરિણામે પ્રસ્થાપિત કર્યુ હતું. અત્યારે ભાજપ સામે સત્તા મેળવવા માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી અનુક્રમે પાટીદાર, ઓબીસી અને દલિત સમાજના મત મેળવવા પડકાર બન્યા છે.