શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 નવેમ્બર 2020 (09:51 IST)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે કચ્છના ધોરડોમાં, માતાના મઢના કરશે દર્શન

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે.
 
ધોરડો ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.
 
સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩૫, બનાસકાંઠાના ૧૭ મળી કુલ ૧૫૮ ગામના સરપંચો, આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં ૬૦ ટકા કેન્દ્ર સરકારની અને ૪૦ ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના ૧૬ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત માં ૧૧૧ જેટલા સરહદી જિલ્લાઓમાં ૩૯૬ બ્લોક આવરી લેવાયા છે. 
 
જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં ૧૬૩૮ પ્રોજેકટ હેઠળ રૂ.૧૯,૩૭૫.૪૮ લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં ૧૦૦૨, બનાસકાંઠા જિલ્લામાં ૩૫૫ અને પાટણ જિલ્લામાં ૨૮૧ પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.
 
ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પ્રદર્શનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ યોજાનાર મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે. ઉપરાંત સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. 
 
ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદબોધન કરશે. કાર્યક્રમ દરમ્યાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અંતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના સરપંચો, આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપનાર છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રિય મંત્રી કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાનામઢ ખાતે દર્શનાર્થે જશે.