1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (11:28 IST)

વધુ એક તાલિબાની સજાનો વિડીયો વાયરલ, યુવકને નગ્ન કરી માર માર્યો

રાજ્યમાં અવાર નવાર વિચિત્ર સજાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. એમાં પણ ખાસકરીને આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે. ફરી એકવાર જંબુસરના વહેલમ ગામે વિચિત્ર તાલિબાની સજા ફટકારી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં યુવતિના પ્રેમીને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. જે અંગે ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં આદીવાસી સમાજના આગેવાનો ભેગા થઇ ગયા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવ એક અઠવાડિયા જૂનો છે. ગત 29મી જાન્યુઆરીએ યુવતિના પરિવારજનોએ યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કરી માર માર્યો હતો. તે અમારી દિકરીનો પીછો કેમ કરે છે એમ કહીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત તેના કપડાં ફાડી નાખી તેન નગ્ન કરીને ફટકાર્યો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 
 
ઘટનાનો વિડિયો વાયરલ થતાં ફરીથી માહોલ ગરમાયો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઇ ન હોવાનો આક્ષેપ ગ્રામ જનો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા વહેલીતકે યોગ્ય કાર્યવાહની ન કરે તો આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી છે. ઘટનાના પગલે સામાજીક સંસ્થાઓ પણ મદદમાં આગળ આવી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર વહેલમ ગામે બનેલી ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં એસસીએસટી સેલના ડિવાયએસપી મામલાની તપાસ કરી રહ્યાં છે. અમારી ટીમો પણ આરોપીને શોધવાની કવાયતમાં છે. વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.