ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , સોમવાર, 1 જાન્યુઆરી 2024 (16:15 IST)

અરવલ્લીનું 10 મહિનાનું બાળક સોયાબીન ગળી ગયું,અમદાવાદમાં 2 વર્ષનો છોકરો ટાંકણી ગળી ગયો, જાણો કેવી રીતે બચ્યો જીવ

Aravalli 10-month-old baby swallows soybean
Aravalli 10-month-old baby swallows soybean
સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો બન્યો છે.  અરવલ્લી જીલ્લાના શંભુ ખાંટનું માત્ર 10 મહિનાનું બાળક  થોડા દિવસ પહેલા સોયાબિનની સીંગ ગળી ગયુ હતું. જેના પરીણામે 28 ડિસેમ્બરના રોજ તેને એકા-એક શ્વાસ લેવામાં ખૂબ જ સમસ્યા ઉભી થવા લાગી હતી.માતા-પિતાને આ સમસ્યા વધુ ગંભીર જણાતા તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકને લઇ ગયા હતાં. પરંતુ આ કેસમાં ત્યાના તબીબોને આ સમસ્યા અત્યંત ગંભીર હોવાથી ઓક્સિજન સપોર્ટની સાથે નિષ્ણાંત બાળરોગ સર્જરી તબીબોની જરૂરિયાત જણાઇ આવી હતી. જેથી તેઓએ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યું હતું. 
 
બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરી
29મી ડિસેમ્બરે આ બાળકને લઈને તેના માતાપિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર બે કલાકની અંદર જ તેના એક્સ-રેના આધારે ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલા સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યા હતાં. સર્જરી અત્યંત જટીલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે છેલ્લા બે વર્ષમાં અંદાજીત 51 જેટલા આવા બાળકોની બાહ્ય પદાર્થ ગળી જવાની સર્જરી કરી છે. આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સની માતા-પિતાની સતર્કતાથી માત્ર બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરીને આ સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી હતી. હવે બાળક પહેલાની માફક જ શ્વાસ લઇ શકે છે. 
Aravalli 10-month-old baby swallows soybean
Aravalli 10-month-old baby swallows soybean
2 વર્ષનો યુસુફ નામનો બાળક ટાંકણી ગળી ગયો
આવો જ એક અન્ય કિસ્સો સિવિલ હોસ્પિટલમાં જ બન્યો. જેમાં 2 વર્ષનો યુસુફ નામનો બાળક ટાંકણી ગળી ગયો હતો. બે વર્ષનો યુસુફ ઇશારા કરીને તેની માતાને કહી  રહ્યો હતો કે તે કંઇક ગળી ગયો છે જેથી તેને માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને દોડી આવ્યા હતા. આ કિસ્સામાં જ્યારે સી.ટી. સ્કેન કરવામાં આવ્યુ હતુ ત્યારે કોઇ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે જે મેટલનું છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું હતુ. તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી ત્યારે તબીબોના મોનટરીંગ હેઠળ તેને મળ માર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. માતા-પિતાની ધીરજ, બાળકના સહકાર અને તબીબોના અનુભવથી યુસુફને કોઇપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની સોય મળમાર્ગે કાઢવામાં સફળતા મળી હતી. 
સિવિલના ડોક્ટરોએ આ પદાર્થોને દૂર રાખવાનો અનુરોધ
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, માતા-પિતાએ ચેતવાની જરૂર છે. બાહ્ય પદાર્થ ગળી જતા ઘણાં કિસ્સામાં સર્જરી વિના પણ અનુભવ અને ધીરજના પરિણામે તબીબોના સતત મોનીટરીંગ દ્વારા પણ  બાહ્ય પદાર્થ મળ માર્ગે અથવા મ્હોના માધ્યમથી દૂર કરી શકાય છે. પરંતુ જો આવો પદાર્થ ગળી ગયા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને એ પદાર્થ નળીમાં ફસાઇ ગયો હોય તો ચોક્કસ પણે સર્જરી કરીને જ આ સમસ્યા દૂર કરી શકાય છે જે પ્રિન્સના કિસ્સામાં બન્યું  છે. ડૉ. જોષીએ ફરી એક વખત નાની ઉમરના બાળકોથી સિક્કા, ટાંકણી, સેલ, રમકડાનો એલ.ઇ.ડી. બલ્બ, ફિનાઇલ જેવા પદાર્થોને દૂર રાખવાનો અનુરોધ કર્યો છે.