શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જાન્યુઆરી 2022 (09:54 IST)

અઠાવલેની ગુજરાત સરકારને સલાહ- પાટીદારોને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવા અંગે જલદી લેવાશે નિર્ણય

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે ગુજરાત સરકારને પાટીદાર અનામત મુદ્દે સલાહ આપી હતી. આઠવલેએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારે પાટીદાર સમુદાયને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવા અંગે ઝડપથી નિર્ણય લેવો જોઈએ. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વખતે આ નિવેદન આપ્યું હતું.
 
અહીં પત્રકારો સાથે વાત કરતાં આઠવલેએ કહ્યું, "જ્યાં સુધી પાટીદાર સમુદાયને OBC કેટેગરીમાં સામેલ કરવાનો સવાલ છે, મંત્રાલયે તેની સત્તા રાજ્યોને આપી દીધી છે. અમે આ માટે બંધારણમાં પણ સુધારો કર્યો છે. હવે જો અમે આ શક્તિ રાજ્યોને આપી છે તો સત્તા હું ગુજરાત સરકારને અપીલ કરું છું કે વહેલી તકે પાટીદારને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવા અંગે નિર્ણય લે. તેમને મારું સંપૂર્ણ સમર્થન રહેશે."
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતીઓની બુકમાં આઠવલેએ લખ્યું છે કે, "એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સરદાર પટેલના પ્રયાસોને કારણે સાકાર થયું હતું." "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે જ સરદાર પટેલને સમર્પિત આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ટુંક સમયમાં જ બનાવવામાં આવી છે," તેમણે મુલાકાત સમયે જણાવ્યું હતું.
 
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાયી આદિવાસી સમાજને પણ સિધી રોજગારી મળી છે જે માનનીય પ્રધાનમંત્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે. કેવડીયાનો સાર્વત્રિક વિકાસ જોઈને ખૂબ ખુશી થઈ છે.સાથે જ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાના પણ વખાણ કર્યા.
 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2015થી પાટીદારોને અનામત આપવાનો મુદ્દો સળગી રહ્યો છે. આ આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલ હાલમાં કોંગ્રેસ સાથે છે. જો કે, તેમના પ્રયત્નો છતાં, ભાજપ 2017 માં ગુજરાતમાં પોતાની સરકાર બચાવવામાં સફળ રહી હતી.