1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 9 મે 2023 (17:15 IST)

ATSએ વધુ રિમાન્ડની માંગ ન કરતા નલિયા કોર્ટે ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલ હવાલે કર્યો

અતીક અહેમદ બાદ વધુ એક મોટા ગેંગસ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે
 
ATSએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા નલિયા કોર્ટે ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલ હવાલે કર્યો છે.  લોરેન્સને બાય રોડ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવશે. જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. હવે અતીક બાદ વધુ એક મોટા ગેંગસ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે.લોરેન્સ બિશ્નોઇ હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે.  
 
એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવાઈ
ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો.આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.
 
લોરેન્સની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા
ગુજરાત સહિતના રાજ્યોમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના સપ્લાયમાં મહત્ત્વનો ભાગ ભજવતા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ મગાવવાનો તેના પર આરોપ છે. જેના પગલે ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલાની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. એટીએસએ કરેલી અરજીને એનઆઇએની કોર્ટમાં મંજૂર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.  લોરેન્સની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે. જેના પર એટીએસ તપાસ કરી રહી છે. લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેને પગલે તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.
 
અનેક સેલિબ્રિટીઓને ધમકીઓ આપી
હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. એટીએસે પાકિસ્તાનથી આવી રહેલા કરોડોના ડ્રગ્સને ઝડપી લઈને તપાસ કરી હતી જેમાં લોરેન્સના સાગરીત ગોલ્ડી બ્રારની સંડોવણી સામે આવી રહી છે. હાલ ગોલ્ડી વિદેશમાં હોવાથી તેનો કબજો મેળવવા માટેની પણ કવાયત ચાલી રહી છે.