શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (11:50 IST)

જાણીતા સાહિત્યકાર બકુલભાઈ બક્ષી 76 વર્ષની હૃદયરોગના હુમલાથી અવસાન થયું

વરિષ્ઠ સાહિત્યકાર બકુલભાઈ બક્ષીનું 76 વર્ષની જૈફ વયે હૃદયરોગના ઓચિંતાના હુમલાથી ગુરુવારે પરોઢિયે તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. બકુલભાઈના નિધનના સમાચારથી ગુજરાતી સાહિત્યજગતમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. 'દિવ્ય ભાસ્કર' દૈનિકમાં તેમની બે કોલમ- નવી નજરે અને ચર્ચાતો શબ્દ ખૂબ લોકપ્રિય હતી. વરિષ્ઠ સાહિત્યકાર લલિતકુમાર બક્ષી તથા ચંદ્રકાન્ત બક્ષીના નાના ભાઈ બકુલભાઈ બક્ષી પોતાના સાલસ સ્વભાવ ઉપરાંત શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા હતા અને તેમની આમ ઓચિંતાની વિદાયથી તેમના પરિવારજનો તથા મિત્ર-વર્તુળ અને સાહિત્યજગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓએ સ્વ. બકુલભાઈ બક્ષીના નિધન પર શોકની લાગણી દર્શાવી છે.લલિતકુમાર બક્ષી અને ચંદ્રકાન્ત બક્ષીના નાના ભાઈ એવા સ્વ. બકુલભાઈ બક્ષી પણ પોતાના બંને મોટા ભાઈઓની જેમ મૂર્ધન્ય સાહિત્યકાર હતા. આ ઉપરાંત ત્રણેય ભાઈઓનું કટારલેખનમાં પણ અનેરું યોગદાન રહ્યું હતું. સ્વ. બકુલભાઈના જાણીતા પુસ્તકોમાં વાર્તાસંગ્રહ મજલિસ ઉપરાંત લેખસંગ્રહ સંસ્કૃતિનો સૂર્યોદય, રાજદરબાર, બ્રિટિશરાજની વાતો, અનેક રંગ, સંસ્કારગાથા, બા-અદબ, અસ્મિતાનો ચહેરો, પ્રતિબિંબ, સરગમ, રાગઅતિત વગેરે ઉપરાંત ઉમર ખય્યામ અને મુંબઈ શહેરની વિકાસગાથા નામની પરિચય પુસ્તિકાનો પણ સમાવેશ થાય છે.સ્વ. બકુલભાઈ બક્ષીનો જન્મ, ઉછેર અને શિક્ષણ કોલકાતામાં જ થયું હતું. બીકોમ અને આઈએએસની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ સપ્ટેમ્બર- 1965માં ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોડાયા હતા અને 37 વર્ષ, 6 મહિનાની સુદીર્ઘ કારકિર્દી બાદ ફેબ્રુઆરી 2003માં ચીફ કમિશનર- કસ્ટમ્સ અને વાઈસ ચેરમેન- સેટલમેન્ટ કમિશનના ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા બાદ સેવાનિવૃત્ત થયા હતા. સ્વ. બકુલભાઈને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કરાયો હતો. તે સમયે તેઓ મુંબઈમાં ચીફ કમિશનર- કસ્ટમ્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તદુપરાંત સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ ટ્રેડ રેગ્યુલેશન કાઉન્સિલના તેઓ એકમાત્ર ભારતીય સભ્ય રહી ચૂક્યા છે અને ગોલ્ડ ઈમ્પોર્ટ પોલિસી, 1993ના તેઓ નિયામક તેમજ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં પણ ત્રણ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.76 વર્ષની ઉંમરે પણ સક્રિય જીવન જીવતા સ્વ. બકુલભાઈને નખમાં પણ રોગ નહોતો  તેઓ દરરોજે સાંજે સ્વિમીંગ કરતા અને 10-12 લેન્થ આસાનીથી લગાવતા હતા. શિસ્તબદ્ધ જીવનના ચુસ્ત આગ્રહી સ્વ. બકુલભાઈને ગુરુવારે પરોઢિયે એકાએક તબિયત બગડીને સુગર લો થયાનું લાગતા ચોકલેટ ખાધી હતી અને પછી એકાએક હૃદયરોગના હુમલાથી મળસ્કે 4.30 કલાકે તેમનું નિધન થયું હતું. સ્વ. બકુલભાઈના વાર્તાસંગ્રહ 'મજલિસ'ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો.