રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 જૂન 2018 (15:27 IST)

ગુજરાતમાં 10 દિવસ બાદ પટેલ કે ક્ષત્રિય સીએમ હશે, રૂપાણીનું રાજીનામું લેવાયું - હાર્દિક પટેલનો દાવો

વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવી પહોંચ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ તકે હાર્દિકે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે.હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું આગામી મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. જે તે સમયે અમે સભા માટે મંજૂરી લીધી જ હતી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડૂતોની હાલત ખરાબ છે તેને પોષણક્ષમ ભાવ તથા પાકવીમાના મુદ્દે ઘણીબધી તકલીફો હોવાથી તેઓ આંદોલન કરી રહ્યા છે. પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે બપોરે હાર્દિક પટેલે રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી. બાદમાં વંથલીમાં ખેડૂત સભા સંબોધવા નીકળી ગયો હતો. નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે હોસ્પિટલ જઇ તેની ખબર અંતર પૂછશે અને વંથલી ખેડૂતો સાથે સભા કરશે.