1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 એપ્રિલ 2021 (10:53 IST)

Positive News: ૭૦ ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાંય ૬૦ વર્ષના પિતા અને ૩૫ વર્ષના પુત્રએ ૧૦ દિવસમાં હરાવ્યો

સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર બન્યું છે. સંક્રમિત થયા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં વાયરસનો ફેલાવો ફેફસા સુધી પહોંચીને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
 
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય માણેકલાલ પટેલ અને ૩૫ વર્ષીય તેમના પુત્ર રાહુલભાઇ પટેલ સાથે પણ કંઇક આવું જ બન્યુ. સૌપ્રથમ ૧૧ મી એપ્રિલના રોજ રાહુલભાઇ પટેલ કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ કોરોનાના સામાન્ય લક્ષણો જણાઇ આવતા દવા લઇ હોમ-આઇસોલેશનમાં સારવાર શરૂ કરી. તેમના બીજા જ દિવસે રાહુલભાઇના પિતા માણેકભાઇ પણ સંક્રમિત બન્યા. 
 
પિતા-પુત્રનો એચ.આર.સી.ટી. સ્કેન કરાવવામાં આવતા બંને માં ૭૦  ટકાથી વધારે ફેફસા ક્ષતિગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું. તેમનું ઓક્સિજન સ્તર પણ એકા-એક ઘટવા લાગ્યું. આ પરિસ્થિતિ વચ્ચે તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની તાકીદે જરૂરિયાત ઉભી થઇ.
 
રાહુલભાઇ પટેલનું કહેવું છે કે , કોરોનાથી સંક્રમિત થયા બાદ જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઉભી થઇ ત્યારે મેં અને મારા પિતાએ સિવિલ હોસ્પિટલને જ પ્રાધાન્ય આપ્યું. કારણકે સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ પર અમને શ્રધ્ધા હતી. 
 
સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમેં જે અનુભવ્યુ તે અકલ્પનીય હતુ. અહીં સમયસર દિવસ માં ૨ થી ૩ વખત તબીબો સ્વાસ્થ્ય પૃચ્છા કરવા માટે આવતા. ૧૨૦૦ બેડ હોસ્પિટલનો નર્સિંગ થી લઇ પેરામેડિકલ સ્ટાફે પણ ઘણો સહકાર આપ્યો. સમયસર જમવાનું મળી રહેતું. વોર્ડમાં એક સાનૂકુળ વાતાવરણ રહેતું. ક્યારેય એવું લાગ્યું જ નહીં કે હોસ્પિટલમાં છીએ તેમ તેઓ ઉમેરે છે. 
 
પિતા-પુત્ર એક શૂરે શૂર પૂરતા જાહેરજનતાને કહે છે કે, સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ પર ક્યારેય શંકા રાખવાની કે ભયભીત થવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે જ ફક્ત ૧૦ દિવસના ટૂંકા ગાળામાં અતિ ગંભીર અવસ્થામાંથી પણ કોરોનાને મ્હાત આપીને આજે અમે સંપૂર્ણ સાજા થઇને સ્વગૃહે પરત ફરી રહ્યા છીએ.