સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2022 (13:10 IST)

PM મોદીને મળી મોટા ભાઈ રડી પડ્યા, કહ્યું સારું કામ કરે છે આરામ પણ થોડો કરવો જોઈએ

somabhai modi
વડાપ્રધાન મતદાન બાદ સોમાભાઈના ઘરે પહોચ્યા હતાં 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યા બાદ મોટા ભાઈ સોમાભાઇના ઘેર મહેમાનગતિ માણી હતી. નિશાન સ્કૂલ ખાતે  વડાપ્રધાને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલમાંથી બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા.  તેમના મોટાભાઈ સોમાભાઈ તેમને મળીને રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, તેઓ સારૂ કામ કરે છે જેથી થોડો આરામ પણ કરવો જોઈએ. 
 
સોમાભાઈ નરેન્દ્રભાઈને જોતા જ ભાવુક થયા હતાં
સોમાભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના ભાઈ નરેન્દ્રભાઈ સારૂ કામ કરે છે. તેમને થોડો આરામ પણ કરવો જોઈએ. 2014 પછી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી સારા કામ થયાં છે. હું પણ તેમને કહું છું કે દેશ માટે સારા કામો કરો. આ દરમિયાન તેઓ ભાવુક થયા હતાં. સોમાભાઈ પોતાના ઘરે નરેન્દ્રભાઈને જોતા જ ભાવુક થયા હતાં. મોદીએ ત્યાં થોડોક સમય પણ પસાર કર્યો હતો. 
 
વડાપ્રધાનના માતા હિરાબાએ મતદાન કર્યું
વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમના માતા હિરાબાએ રાયસણ ખાતે મતદાન કર્યું હતું. તેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. આજે તેઓ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતાં. તેમની સાથે તેમના પરિવારના લોકો પણ જોવા મળ્યા હતાં. 
 
વડાપ્રધાને રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું
મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું.